સુરત પોલીસને આરોપીઓએ ગોથે ચડાવી, તસ્કરે ચિઠ્ઠીમાં લખ્યુ હતુ-‘માફ કરના શેઠજી, મેરી મજબૂરી હૈં…’
ગુજરાતમાંથી ઘણીવાર ચોરીના કિસ્સા સામે આવે છે, જેમાં હાલમાં જ સુરતના ઉધના વિસ્તારમાંથી ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો, રઘુપતિ ફેશન નામના ખાતામાં 11.85 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો, જે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછો નહોતો. ચોરી કરવા આવેલા ચોરે બુરખો પહેર્યો હતો. જો કે તેણે ચોરી કર્યા બાદ એક અનોખી ચિઠ્ઠી લખી- ‘આપકા કારીગર’ અને ટેબલ પર મૂકી. માત્ર એટલું જ નહીં, પત્ર લખ્યા બાદ તેણે સીસીટીવી સામે 10 વાર નમીને માફી પણ માગી.
શરૂઆતમાં તો પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે, પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં, પરંતુ રીઢો ગુનેગાર નીકળ્યો. પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો અને ચોરી કર્યા બાદ પત્નીને ફ્લાઈટથી ઓડિશા મોકલી દીધી. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જણાવી દઇએ કે, 9 જાન્યુઆરીના રોજ ઉધનામાં આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ ખાતાના રઘુપતિ ફેશન નામના ખાતામાં 11.85 લાખ રૂપિયાની ચોરી થઈ હતી.
ચોરે બાથરૂમની બારીની લોખંડની જાળી અને સળીઓ કાપીને અંદર પ્રવેશી ઓફિસના ટેબલના ખાનાને તોડી રોકડ રૂપિયા ચોરી કર્યા હતા. ચોરે એક કાગળ પર લખ્યું હતું: “સોરી, માફ કરના શેઠ જી, મેરી મજબૂરી હૈં ઇસલિયે કર રહા હૂં, મેરી બીવી કી તબિયત ખરાબ હૈ. હોસ્પિટલ મેં ખર્ચા હો રહા હૈ. હો સકે તો માફ કર દેના. મૈં આપકે પૈસે જલદી ચૂકા દુંગા. માફ કરના, આપકા કારીગર.”