Youth from Bharuch dies in Africa : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત થતા હોય છે. ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયામાંથી પણ ઘણા હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હાલ એક ઘટના સાઉથ આફ્રિકાથી સામે આવી છે. જેમાં ભરૂચના એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. યુવક ગ્રાહક સાથે વાત કરતા કરતા જ અચાનક ઢળી પડ્યો અને તેનું મોત નીપજ્યું.
ભરૂચના ઈખર ગામનો વતની :
આ ઘટનાનો વીડિયો પણ સીસીટીવીમાં કેદ થઇ ગયો છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આફ્રિકાના વેન્ડા શહેરના એક સ્ટોરમાં નોકરી કરી રહેલા મૂળ ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામનો વતની ઈકબાલ હાફેજી મહંમદ મલ્લુ 22 વર્ષ પહેલા રોજગારી માટે આફ્રિકા ગયો હતો. ગત રોજ જ્યારે તે સ્ટોરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ગ્રાહકોની નજર સામે જ અચાનક તે ઢળી પડ્યો અને સારવાર મળે એ પહેલા જ તેનું મોત થયુ. 42 વર્ષીય ઈકબાલનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
CCTVમાં કેદ થઇ ઘટના :
સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઇકબાલ એક સ્ટોરમાં કામ કરી રહ્યો છે. સ્ટોરમાં ગ્રાહકો પણ દેખાઈ રહ્યા છે. ત્યારે ઇકબાલ હાથમાં સમાન લઈને સ્ટોરમાં ગોઠવવા માટે જાય છે. આ દરમિયાન બે ગ્રાહક કાઉન્ટર પર આવે છે અને તેમની સાથે કોઈ વાત કરીને ઇકબાલ કાઉન્ટરમાંથી બહાર નીકળવા જતા જ અચાનક ઢળી પડે છે. ત્યારબાદ સ્ટોરમાં રહેલા લોકો પણ તરત તેની પાસે દોડી આવે છે અને તેની તબિયત તપાસે છે પરંતુ કોઈ હલનચલન જોવા મળતું નથી.
પરિવાર માથે તૂટ્યું આભ :
ઇકબાલને હાર્ટ એટેક આવતા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયો હતો. તેના મોત બાદ ભરૂચ પાસે આવેલા ઇખર ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે સ્ટોરમાં રહેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઈ અને ઇકબાલના મોતનું લાઈવ રેકોર્ડિંગ થયું. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેના પરિવારજનો પણ આ ઘટના જોઈને આઘાતમાં આવી ગયા.
આફ્રિકાના વેન્ડા શહેરમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના યુવકનું હાર્ટ એટેકથી મોત#Africa #Gujarat #Bharuch #HeartAttack pic.twitter.com/TNkdYrawqT
— Jay Acharya ( VTV NEWS ) (@AcharyaJay22_17) September 11, 2023