Youth dies due to lightning strike :ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ ચોમાસાનો સમય છે અને ઠેર ઠેર વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદી માહોલ વચ્ચે પણ કેટલીક દુર્ઘટના થવાના સમાચાર આવતા રહેતા હોય છે. હાલ એક એવી જ ખબર મહેસાણાથી સામે આવી છે, જ્યાં એક 25 વર્ષના યુવકનું વીજળી પડવાના કારણે મોત નીપજ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો, કડાકા ભડાકા સાથે મોડી રાતથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ગઢા ગામની અંદર વહેલી સવારે એક 25 વર્ષીય યુવક કનિશ ચૌધરી ભેંસો દોહવા માટે ગયો હતો. આ દરમિયાન તેના પર વીજળી પડતા જ તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આમ અકાળે પરિવારના એકના એક દીકરાનું મોત થવાના કારણે પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. કનિશના પિતાનું નાની ઉંમરમાં જ અવસાન થયું હતું, ત્યારે હવે તેની માતા અને બહેન કનિશના મોત બાદ નોધારા બન્યા છે. કે કનિશના મોત બાદ ગઢા ગામની અંદર પણ શોકનો માહોલ છવયેલો જોવા મળ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદનો પ્રકોપ પણ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. તો અન્ય એક કિસ્સામાં જેતપુરમાં એક 11 વર્ષની બાળકીનું પણ કરંટ લાગવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. બાળકી હીટરથી પાણી ગરમ થયું કે નહિ તે તપાસવા માટે અંદર હાથ નાખ્યો અને પછી નીચે પટકાઈ હતી. તેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી.