કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી મહિલાનો દર્દનાક ખુલાસો, કહ્યુ- હું ટ્રેનના વૉશરૂમમાંથી બહાર આવી ત્યારે…

ટ્રેન વળી ગઇ, લોકો એકબીજા પર પડ્યા હતા…કોરોમંડલ એક્સપ્રેસમાં યાત્રા કરવાવાળી મહિલાની જુબાની

Train accident eye witnesses : ઓડિશાના બાલાસોરમાં ગઇકાલે એટલે કે શુક્રવારે મોટો અકસ્માત સર્જાયો. બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી ટકરાવાને કારણે 230થી વધારે લોકોના મોત, જ્યારે 800થી વધારે લોકો ઘાયલ થયા. ટક્કર એટલી ભયાનક હતી કે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ. ટ્રેનના ઘણા ડબ્બા ગુડ્સ ટ્રેન પર ચઢી ગયા હતા. એક મહિલાએ અકસ્માતનું દર્દનાક દ્રશ્ય વર્ણવ્યું છે.

કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી વંદના નામની મહિલાએ કહ્યું, “હું કોરોમંડલથી પરત ફરી રહી હતી. જ્યારે હું ટ્રેનના વૉશરૂમમાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે ટ્રેન સંપૂર્ણપણે વળી ગઇ હતી. સંતુલન ગુમાવવાને કારણે હું મારી જાત પર કાબૂ રાખી શકી ન હતી. અહીં બધું આમ તેમ હતું અને લોકો પણ એકબીજાની ઉપર પડ્યા હતા. હું સમજી શકી નહિ કે શું થયું, તે પછી હું બહાર આવી”.

વંદનાએ જણાવ્યું કે અકસ્માત સમયે તે વોશરૂમમાં હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. વૉશરૂમમાંથી બહાર આવતા જ બહારનું દ્રશ્ય જોઈને તે સંપૂર્ણપણે હચમચી ગઈ હતી. જો કે, આ અકસ્માતમાં તેનો આબાદ બચાવ થયો અને તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.

આ અકસ્માતમાં સેંકડો લોકોના મોત થયા પણ વંદના સિવાય એક છોકરાએ પણ દર્દનાક ઘટનાનું વર્ણન કર્યુ કે જે આ ભયાનક અકસ્માતમાં બચી ગયો હતો. તે તેના દાદા સાથે હાવડાથી બિહાર જઈ રહ્યો હતો. તેણે કહ્યું કે, થોડા સમય પહેલા સુધી બધું ખૂબ સારું હતું. બાળકો રમતા હતા, લોકો વાતો કરતા હતા તો કોઈ શાંતિથી સૂઈ રહ્યું હતું. અચાનક એક તોફાન આવ્યું, અને પછી જોરથી ધડાકો સંભળાયો.

બધાના કાન સુન્ન થઈ ગયા અને આંખો પણ બંધ થઈ ગઈ. થોડી વાર પછી જ્યારે આંખ ખુલી તો એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. ચારે બાજુ મૃતદેહોનો ઢગલો હતો. બાળકોના હાસ્યને બદલે લોકોની ચીસોનો અવાજ આવી રહ્યો હતો. ક્યાંક વૃદ્ધ વ્યક્તિના ચશ્મા તો ક્યાંક બાળકોના કપડા અને ઘણુ બધુ વેરવિખેર પડ્યુ હતુ. એમ્બ્યુલન્સની સાયરન અને લોકોની ચીસો કાનમાં ગુંજી રહી હતી.

Shah Jina