A woman committed suicide in Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ આપઘાતનો એક ચોંકાવનારો બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ 10માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ખાસ વાત તો એ છે કે આ પહેલા પણ આજ બિલ્ડિંગમાંથી કૂદીને 3 લોકો આપઘાત કરી ચુક્યા છે.
10માં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું :
આ ઘટના સામે આવી છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એપાર્ટમેન્ટમાંથી. જેમાં રહેતા ગાયત્રીબેન કઠેરિયાએ ગતરોજ ફ્લેટના બી બ્લોકમાં 10 માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ અમરાઈવાડી પોલીસની ટીમ પરિષ્કાર એપાર્ટમેન્ટ ખાતે દોડી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માનસિક રીતે બીમાર હોવાનું આવ્યું સામે :
આ મામલે પોલીસે મૃતક ગાયત્રીબેનના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા હતા. તેમના નિવેદન અનુસાર ગાયત્રીબેન છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે બીમાર હોવાનું પણ સામે આવ્યું છે. તો મહિલાએ બીમારીથી કંટાળીને જ પોતાનો જીવ પણ આપી દીધો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. પોલીસ હજુ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આજ બિલ્ડીંગ પરથી અગાઉ પણ ત્રણ લોકોએ કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
વડોદરામાં પણ બની હતી સામુહિક આપઘાતની ઘટના :
ત્યારે ગુજરાતમાંથી સતત સામે આવી રહેલા આપઘાતના મામલાઓ પંજ ચિંતાનો વિષય બન્યા છે. ગત રોજ પણ વડોદરામાંથી એક પરિવાર દ્વારા સામુહિક આપઘાત કરવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં આર્થિક તંગીના કારણે પતિએ પહેલા દીકરા અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યાર બાદ પોતે પણ ઝેરી દવા પી રેઝરથી ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પતિ બચી ગયો હતો પરંતુ પત્ની અને દીકરાનું મોત થયું હતું.