જૂનુની પતિએ પત્નીનો હાથ કાપીને કર્યો અલગ, સામે આવ્યું કારણ તો બધા જ રહી ગયા હેરાન

પતિ અને પત્નીનો સંબંધ સાત જન્મોનો હોવાનું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ આજના સમયમાં પતિ અને પત્ની વચ્ચે થતા વિખવાદ જોતા સંબંધ એક જન્મ તો દૂર થોડા વર્ષો સુધી સારી રીતે ટકી શકે તો પણ સારું કહેવાય. સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને આપણે પણ હચમચી જઈએ.

આજે મોંઘવારી ખુબ જ વધી છે અને સાથે મહિલાઓ પણ શિક્ષિત બની છે જેના કારણે પતિ અને પત્ની બંને ઘર ચલાવવા માટે સક્ષમ બને છે, ઘણી મહિલાઓ ઘરે બેસી રહેવા કરતા નોકરી કરવી સારુ માનતી હોય છે, પરંતુ ઘણા પુરુષો એવા પણ હોય છે જેમને મહિલાઓનું નોકરી કરવું પસંદ નથી હોતું, અને તેના કારણે જ ઝઘડા પણ થતા હોય છે.

હાલ એવી જ એક ઘટના પશ્ચિમ બંગાળના બર્ધમાનમાંથી સામે આવી છે. જ્યાં એક મહિલાને નર્સની નોકરી મળી ત્યારે તેના પતિએ ખુશ થવાને બદલે તેનું કાંડું કાપી નાખ્યું. વર્ધમાનના કેતુગ્રામમાં રહેતી રેણુ ખાતૂનને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં નર્સની નોકરી મળી હતી. પત્ની નોકરીમાં જોડાતાની સાથે જ પતિ મોહમ્મદ શેખને શંકાનું ભૂત સતાવ્યું હતું.

પતિને લાગવા માંડ્યું કે જો રેણુ જોબ પર જવાનું શરૂ કરશે તો તે તેને છોડી દેશે. તેણે મિત્રો સાથે મળીને કાવતરું ઘડ્યું અને સૂતી વખતે તીક્ષ્ણ હથિયાર વડે જમણા હાથે પત્નીનું કાંડું કાપી નાખ્યું. મળતી માહિતી મુજબ, આરોપીએ રેણુને તકિયાથી હાથ દબાવીને હાથનું કાંડું કાપીને અલગ કરી દીધું હતું.

લોહી લુહાણ થઈ ગયેલી રેણુને પહેલા બર્ધમાનના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવી, પછી પરિસ્થિતિ નાજુક બનતી જોઈને તેને દુર્ગાપુરના એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી. રેણુની સારવાર અહીં ચાલી રહી છે. આરોપી પતિ ઘટના બાદથી ફરાર છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હજુ સુધી મોહમ્મદ કે તેના મિત્રો મળ્યા નથી.

Niraj Patel