ફેકટચેક : કારના ટાયરની અંદર પાણીની બોટલ રાખવા પાછળનું શું છે કારણ ? જાણીને તમે પણ હેરાન રહી જશો, જાણો વાયરલ દાવાની હકીકત

આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે અને સ્માર્ટ ફોન દ્વારા જ તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે અને દુનિયા સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા દાવા કરવામાં આવતા હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર આવા દાવાને અજમાવવા જતા જ લોકો નુકસાની પણ વેઠતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં કારના ટાયરમાં પાણીની બોટલ રાખવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ તેની પાછળની સાચી હકીકત શું છે.

હાલમાં ઘણી કંપનીઓ ઓનલાઈન જાહેરાતો દ્વારા મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ કંપનીઓ આવી ક્લિકબેટ જાહેરાતો બનાવે છે, જેને જોયા પછી કોઈપણ સામાન્ય વ્યક્તિ તેના પર ક્લિક કરશે. પરંતુ ઉલ્લુ બનાવવાની આ જાહેરાતો ઘણા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. ભૂતકાળમાં, ઘણી વેબસાઇટ્સ પર આવી જ એક જાહેરાત જોવા મળી હતી, જેમાં કારના ટાયરમાં પાણીની બોટલ ફસાયેલી જોવા મળી હતી. સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી કે કાર પાર્ક કર્યા પછી, બોટલને હંમેશા ટાયરમાં ફસાયેલી રાખો.

આ ફોટો snopes.com દ્વારા તપાસવામાં આવ્યો હતો. આ તસવીર ઘણી વેબસાઈટ પર જોવા મળી હતી. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડ્રાઈવરોએ હંમેશા કારના ટાયરમાં પાણીની બોટલ ફસાવીને રાખવી જોઈએ. પરંતુ તપાસમાં આ દાવો સાવ ખોટો નીકળ્યો. હવે તમે પણ વિચારતા હશો કે આ દાવા પાછળનું કારણ શું હતું? આ એડ-ઓન ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ તસવીરમાં કારના ટાયરમાં પાણીની બોટલ ફસાયેલી જોવા મળી હતી.જેમાં લખ્યું હતું કે બોટલને હંમેશા તમારી કારના ટાયરમાં ફસાયેલી રાખો. પરંતુ જ્યારે તેની તપાસ કરવામાં આવી તો વાત કંઈક બીજી જ હોવાનું બહાર આવ્યું.

આ જાહેરાત માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે હતી. આ એડમાં અકબા નામની પાણીની બોટલ હતી. જ્યારે આ કંપનીની તપાસ કરવામાં આવી તો તે રશિયાની હોવાનું બહાર આવ્યું. કારના ટાયરમાં પાણીની બોટલ કેમ ફસાવવામાં આવે છે તે જાણવા માટે જ્યારે તમે આ એડ-ઓન પર ક્લિક કરશો, ત્યારે તમારી સામે 50 પાનાનો સ્લાઈડ શો લેખ ખુલશે. વેબસાઇટનું નામ રિચહાઉસીસ છે. જ્યારે તમે આ એડ-ઓન પર ક્લિક કરો છો, ત્યારે તે તમને કારની જાળવણીની ટિપ્સ જણાવશે. જો બોટલ ટાયરમાં ફસાઈ જાય તો શું થશે તે જાણવા માટે લોકો આગળ ક્લિક કરતા રહેશે.

50 પાનાના આ લેખની છેલ્લી સ્લાઈડ સુધી જઈને પણ તમને આ વિશે માહિતી નહીં મળે. હા, આ લાઇન આ ક્લિકબેટ પિક્ચરમાં ઉમેરવામાં આવી છે જેથી લોકો લેખ પર વધુ સમય રહી શકે અને તેનાથી એ લોકો ઓનલાઈન પૈસા કમાઈ શકે. જો કે, આવા કેટલાક કિસ્સાઓ પણ ધ્યાન પર આવ્યા હતા જેમાં ચોર વાહનના ટાયરમાં પાણીની બોટલ ફસાવીને ચોરી કરતા ઝડપાયા હતા. આમાં ડ્રાઈવર કાર સ્ટાર્ટ કરતાની સાથે જ બોટલ કચડવાનો અવાજ આવે છે. જ્યારે તે ટાયર ચેક કરવા માટે કારમાંથી નીકળે છે, ત્યારે ચોર તેની કાર લઈને ભાગી જાય છે.

Kashyap Kumbhani