દેશભરમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદની અંદર પ્રકૃતિ પણ પુરબહારમાં ખીલી ઉઠી છે, સાથે જ નદી નાળા પણ છલકાઈ ગયા છે અને પર્વતો ઉપરથી ઝરણાઓ પણ વહેવા લાગ્યા છે, ત્યારે આ નજારો જોવો એ પણ ખુબ જ આનંદની ક્ષણો માનવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ઝરણામાંથી પાણી અને કેટલાક ધોધના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા રહે છે.
આવા જ એક ધોધનો વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટની દુનિયામાં લોકોના દિલ જીતી રહ્યો છે. આ ધોધ કર્ણાટકના શિમોગા જિલ્લામાં સ્થિત જોગ ધોધ છે. તે કર્ણાટકની સૌથી સુંદર પ્રાકૃતિક જગ્યાઓમાંથી એક છે, ખાસ કરીને ચોમાસામાં તેની સુંદરતા ઘણી જ વધી જાય છે. આ ધોધે ભારતના જ લોકોનું નહિ પરંતુ વિદેશના લોકોનું પણ દિલ જીતી લીધું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો નોર્વેના પૂર્વ રાજનયિક એરિક સોલહેમ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એરિકે આ વીડિયોની ક્રેડિટ રઘુ નામના યુઝરને આપી છે. તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “આ નાયગ્રા ધોધ નથી. આ ભારતમાં કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલો જોગ ધોધ છે.” આ સિવાય કેટલાક યુઝર્સે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં આ દિવસો અને પહેલાની ચોંકાવનારી તસવીરો પોસ્ટ કરી છે.
માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર 24 સેકન્ડનો આ વાયરલ વીડિયો અત્યાર સુધીમાં લગભગ 18 લાખ વખત જોવામાં આવ્યો છે. આ ઉપરાંત 85 હજારથી વધુ યુઝર્સે આ વીડિયોને લાઇક કર્યો છે અને લગભગ સાડા 11 હજાર લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યો છે અને લગભગ સાડા ચારસો યુઝર્સે તેના પર ફની કમેન્ટ્સ કરી છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સે આ ફોલ્સ અને તેની પ્રાકૃતિક સુંદરતાના વખાણ કરતા ઘણી વસ્તુઓ અને માહિતી લખી છે.
This is not Niagara Falls…
This is Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳— Erik Solheim (@ErikSolheim) July 10, 2022
તમને જણાવી દઈએ કે તાજેતરમાં મહારાષ્ટ્રના નાનાઘાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે પાણીનો વિપરીત પ્રવાહ દર્શાવે છે. આ વીડિયોમાં બે પહાડો વચ્ચે પડતું પાણી નીચે પડવાને બદલે ઉપર જતું બતાવવામાં આવ્યું છે. નાણેઘાટ ખાતે વરસાદ સાથેના જોરદાર પવનને કારણે આ મનોહર દૃશ્ય શક્ય બન્યું હતું. આ જગ્યા અમદાવાદથી 1200 કિમિ દૂર આવેલી છે.