જાણો વસંત પંચમીનું શું છે માહાત્મ્ય ? કેવા રંગના કપડાં પહેરી, ક્યાં મંત્ર દ્વારા કરી શકાશે મા સરસ્વતીની પૂજા ?

આપણા દેશની અંદર દરેક તહેવારોનું એક આગવું મહત્વ છે. ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ એવો જ એક તહેવાર આવી રહ્યો છે જેને આપણે વસંત પંચમી તરીકે ઓળખીએ છીએ. આ તહેવારનું ઘણી બધી રીતે આગવું મહત્વ છે.

વસંત પંચમીના રોજ ઠેર ઠેર હજારો લગ્ન યોજાય છે, તો કવિઓ અને લેખકો વસંતના વૈભવને પણ આજના દિવસે પોતાના શબ્દોની અંદર વર્ણવતા હોય છે. પરંતુ આ તહેવાર ખાસ માતા સરસ્વતીનું પૂજા કરવા માટેનો તહેવાર છે.

આજે અમે તમને જણાવીશું વસંત પંચમીના દિવસે કેવી રીતે મા સરસ્વતીની આરાધના કરી શકાય અને કયા મંત્ર દ્વારા તેમની કૃપા મળેવી શકાય છે.

વંસત પંચમી નિમિત્તે આ રંગના વસ્ત્રો પહેરવા:
આપણા દેશની અંદર અલગ અલગ પૂજા અનુસાર અલગ વસ્ત્ર પરિધાન પહેરવામાં આવતા હોય છે. ત્યારે વસંત પંચમીના દિવસે પણ ખાસ રંગના વસ્ત્રો પહેરીને જ મા સરસ્વતીની આરાધના કરવી. વસંત પંચમીના દિવસે પીળા રંગનું ખાસ મહત્વ હોય છે.  આમ જોવા જઈએ તો વસંત ઋતુમાં સરસવના પાકથી આખી ધરતી પીળી દેખાય છે. જ્યારે સૂર્યના ઉત્તરાયણના પગલે પણ આ દિવસે પીળા રંગનું મહત્વ ખાસ વધી જાય છેજેના કારણે વસંત પંચમીના દિવસે પીળા રંગના કપડા ઉપરાંત પીળા રંગના ખોરાક અને પતંગ ઉડાવવાનું પણ ખાસ મહત્વ છે.

આ મંત્ર દ્વારા કરો માતા સરસ્વતીની આરાધના:
આપણા શાસ્ત્રોની અંદર દરેક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે ખાસ મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે છે. તેજ રીતે વસંત પંચમીના દિવસે પણ માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તમે “ॐ ऐं सरस्वत्यै नमः” મંત્રનો જાપ કરી શકો છો. આ ઉપરાંત ‘ऊँ ऐं महासरस्वत्यै नमः’. મંત્રનો જાપ પણ પૂજા દરમિયાન કરી શકો છો.

પૂજા દરમિયાન આ ખાસ વાતોનું રાખવું ધ્યાન:
સાચા મનથી કરેલી દરેક પૂજા હંમેશા સફળ બનતી હોય છે. ત્યારે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા દરમિયાન પણ કેટલીક ખાસ વાતોનું ધ્યાન તમારે રાખવું જોઈએ. જેમાં ખાસ તમારે પૂજા માટે પીળા અથવા સફેદ રંગના વસ્ત્રો જ ધારણ કરવા. ભૂલથી પણ કાળા, લાલ અને ભૂરા રંગના વસ્ત્રો ના પહેરવા. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા ઉત્તર દિશા તરફ મોઢું રાખીને કરવી જોઈએ. માતા સરસ્વતીને શ્વેત ચંદન અને પીળા ફૂલ ખુબ પસંદ છે અને આથી તેમની પૂજા સમયે તેમનો જ ઉપયોગ  કરો. પૂજા દરમિયાન પ્રસાદમાં દહી, લાવા, મીઠી ખીર અર્પણ કરવી જોઈએ.

વસંત પંચમીના તહેવારનું મહત્વ:
દર વર્ષે માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિને સરસ્વતી પૂજાના દિવસે રૂપમાં પણ ઉજવાય છે. ધાર્મિક ગ્રંથમાં એવી માન્યતા છે કે, આ દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી.

પુરાણની અંદર એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સૃષ્ટિને વાણી આપવા માટે બ્રહ્માજી કમંડળથી જળ આપી ચારે દિશાઓમાં છાંટયું. આ જળથી હાથમાં વીણા ધારણ કરી જે શક્તિ પ્રગટ થઈ તેને સરસ્વતી કહેવામાં આવી. જેમેણે વીણાનો તાર છેડતા જ ત્રણે લોકોમાં ઉર્જાનો સંચાર થયો અને બધાને શબ્દોની વાણી મળી ગઈ. તે દિવસ વસંત પંચમીનો હોવાના કારણે ખાસ સરસ્વતી પૂજા પણ કરવામાં આવે છે.

Niraj Patel