વલસાડમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવતા ચાર લોકો સાથે કાર પાણીમાં તણાઇ ગઇ, આટલા લાપતા

વલસાડમાં ચાર લોકો કાર સાથે પાણીમાં તણાયા, કાટમાળ બની ગયેલી કાર મળી આવી, નઝારો જોઈને ધ્રુજી જશો

મેઘરાજા હાલ સમગ્ર ગુજરાતને ઘમરોળી રહ્યા છે, ત્યારે વલસાડમાં તો જાણે કે મેઘરાજાએ કહેર વરસાવ્યો હોય તેવી પરિસ્થિતિ થઇ ગઇ છે. ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપુર આવતા કાર અને બાઇક તણાયા હોવાના અહેવાલ છે, ત્યાં ચાર લોકો સાથેની એક કાર પાણીમાં તણાઇ ગઇ, જેમાંથી એકનો બચાવ થવા પામ્યો છે, પરંતુ ત્રણ લોકો લાપતા છે. ત્રણેયની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. વલસાડના ધરમપુરના બોલી ગામ ખાતે કોતરમાં કાર તણાઇ ગઇ હતી. આ દરમિયાન કારમાં ચાર લોકો સવાર હતા, જેમાંથી એકનો બચાવ થયો છે, પરંતુ ત્રણ હજી લાપતા છે. જેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

કારમાં જિગ્નેશભાઈ પટેલ, ધર્મેશ પટેલ, મોહન પટેલ, જયંતિભાઈ સવાર હતા. આમાંથી જીગ્નેશભાઈનો બચાવ થયો છે, જ્યારે અન્ય ત્રણ લાપતા છે.વલસાડમાં અતિભારે વરસાદને કારણે શહેરનો જોડતા 81 માર્ગો અને જિલ્લા સ્ટેટ હદને જોડતા 10 માર્ગોને બંધ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સોમવારે બપોરે તો વલસાડની ઔરંગા નદીએ કિનારો વટાવી દીધો હતો અને નદીના પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા હતા. પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત નર્મદામાં પણ એક કાર તણાઇ હોવાના અહેવાલ છે. નાંદોદના તરોપામાં જળપ્રલયન કારણે ખાડીના પાણી ગામમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઇ હતી અને પાણીના પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી ગાંડીતુર બની હતી. જેને પગલે અનેક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા. સોસાયટીમાં રહેતા કેટલાક તો ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા હતા. 11 જુલાઈના રોજ ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં રજા આપવામાં આવી હતી.

Shah Jina