વડોદરામાં લાયસન્સ વગર જ સગીર બાઈક લઈને નીકળ્યો, મેપે ખોટો બતાવતા એક્સપ્રેસ હાઇવે પર થયુ દર્દનાક મોત

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં વડોદરાના આજવા રોડ ઉપર રહેતા સગીરનું અકસ્માતમાં મોત થયાની ખબર સામે આવી છે.

સગીર લાયસન્સ ન હોવા છતાં પણ બાઇક લઇને નીકળ્યો હતો અને ગુગલ મેપ ચાલુ કરીને તે એક્સપ્રેસ હાઇવે ઉપર પહોંચ ગયો. જો કે, તે બાઇક પલટાવી રીટર્ન આવી રહ્યો હતો તે દરમિયાન પસાર થઇ રહેલા અજાણ્યા વાહન સાથે ટક્કરમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના આજવા રોડ પર સેવાકુંજ સોસાયટીમાં રહેતો 17 વર્ષિય પ્રથમ રામવાણી લાયસન્સ ન હોવા છતાં બાઇક લઇને નીકળ્યો હતો.

તે ગુગલ મેપ પર બતાવેલા રસ્તા મુજબ એક્સપ્રેસ હાઇવે ઉપર ચઢી ગયો પણ હાઇવે પર ચઢ્યા બાદ તેને લાગ્યું કે તે ખોટા રસ્તે જઇ રહ્યો છે, જેને કારણે તે બાઇક રીટર્ન કરી પરત આવી રહ્યો હતો. આ દરમિયાન એક્સપ્રેસ હાઇવે તરફ પુરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહનમાં ભટકાયા બાદ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ ઘચનાની જાણ મંજુસર પોલીસને થતાં તરત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી આપ્યો હતો. એવું સામે આવ્યુ છે કે, પ્રથમ બાઇક લઇ છાણી તેની બહેનના ઘરે જઇ રહ્યો હતો અને આ સમયે એક્સપ્રેસ હાઇવે પર ચઢી જતા યુટર્ન લેતી વખતે તે અજાણ્યા વાહન સાથે ભટકાતા મોતને ભેટ્યો હતો.

ત્યારે દીકરાના મોત બાદ પરિવારજનોએ હાઇવે ઓથોરીટી પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે માર્ગદર્શન આપતા કોઇ બોર્ડ ન લગાવ્યા હોવાથી અકસ્માત સર્જાયો હતો. ત્યારે પ્રથમના મોત બાદ પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ છે. ઘટના અંગે પ્રથમના ભાઇએ મંજુસર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને પોલિસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina