વડોદરામાં કોર્ટ કાર્યવાહી દરમિયાન સિનિયર એડવોકેટનું હાર્ટ એટેકથી મોત, લોકોમાં ફફડાટ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ બની રહી છે. સતત વધી રહેલા હાર્ટ એટેકના મામલાને કારણે લોકો વચ્ચે પણ ચિંતાનો માહોલ છવાયો છે. ત્યારે હાલમાં વડોદરામાંથી હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે. કોર્ટ રૂમમાં સિનિયર ધારાશાસ્રીનું હાર્ટ એટેકથી મોત થતા કોર્ટ સંકુલમાં ચકચાર મચી ગઇ હતી.
કોર્ટ કાર્યવાહી દરમિયાન સિનિયર એડવોકેટ અચાનક ઢળી પડ્યા
પ્રાપ્ત જાણકારી અનુસાર સોમા તળાવ પાસે રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલ 53 વર્ષીય જગદીશભાઈ જાધવ જ્યારે કોર્ટ રૂમમાં હતા, ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવતાં તે કોર્ટ રૂમમાં જ ઢળી પડ્યા. જો કે, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હાર્ટ એટેકથી મોત થતા હાહાકાર
આ ઘટના બાદથી વકીલોમાં પણ શોકની લાગણી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આજે સવારે વડોદરા ડિસ્ટ્રિક કોર્ટમાં આવેલા એક કોર્ટ રૂમમાં જ્યારે એક મહત્વપૂર્ણ કેસ અંગે દલિલ ચાલી રહી હતી તે સમયે સિનિયર વકીલ જગદીશ જાધવને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતા તે કોર્ટ રૂમમાં જ ઢળી પડ્યા હતા.