વડોદરામાંથી આવ્યા બહુ જ દુઃખદ સમાચાર: બાળકને જન્મ આપતા આપતા માં બાળકનું મૃત્યુ થતા લોકો શોકમાં ગરકાવ થઇ ગયા, જુઓ તસ્વીરો

ગુજરાતમાંથી કેટલીકવાર એવી એવી ઘટના સામે આવે છે કે સાંભળી અથવા તો વાંચી આપણા રૂંવાડા ઊભા થઇ જાય. વડોદરાના વડસર વિસ્તારમાંથી પણ આવી એક ઘટના સામે આવી હતી, જેમાં ડિલિવરી દરમિયાન માતા અને તેના નવજાત બાળકનું મોત થયુ હતું. ત્યારે ઘટના બાદ પરિવારજનો દ્વારા ભારે હૈયે બંનેને અંતિમ વિદાય આપવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, વડોદરાના વડસર ફાટક વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા યુવરાજ વાઘેલા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

તેમની પત્ની અનિતા બીજી વખત ગર્ભવતી બનતા તેઓ એપ્રિલ 2022થી જડિયા મેટરનિટી હોસ્પિટલમાં કેસ કઢાવી રૂટિન ચેકઅપ કરાવતા હતા. ત્યારે 13 ડિસેમ્બર 2022ના રોજ પેટમાં દુઃખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની નોર્મલ ડિલિવરી થઇ. જો કે, બાળકનો શ્વાસ રૂંધાતા તબીબે તાત્કાલિક સિઝર કરવું પડશે તેમ જણાવ્યુ અને પરિવાર પાસે પરવાનગી માંગી. જો કે, આ દરમિયાન ગાયનેક તબીબ અને હાજર પીડિયાટ્રીશીયને બાળકને મૃત જાહેર કર્યુ અને માતાને ગર્ભાશયની કોથળી ફાટી ગઈ.

ત્યારે સારવાર ચાલુ હોવાનું જણાવી માતાની તબિયત સ્થિર હોવાની માહિતી પરિવારજનોને આપવામાં આવી હતી. પ્રસુતાની હાલત નાજુક હોવાનું જણાવી અન્ય હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવાનું ડોક્ટરે જણાવ્યું અને તે પછી તબીબોએ જ નજીકની ICU ફેસિલિટીવાળી હોસ્પિટલમાં પ્રસુતાને શિફ્ટ કરી. જ્યાં તેની હાલત વધારે ખરાબ થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ત્યાં ટૂંકી સારવાર બાદ અનીતાબહેનનું મોત નિપજ્યું.

ગણતરીના કલાકોમાં જ માતા અને નવજાત બાળકનું મોત થતાં પરિવારજનો પર તો આભ તૂટી પડ્યુ. તે બાદ પરિવારજનોએ તબીબોની નિષ્કાળજીના કારણે માતા અને બાળકનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યો. યોગરાજ વાઘેલાએ જણાવ્યું કે, પત્નીની ડિલિવરી કરાવતી વખતે જન્મેલા બાળકના શરીર પર બ્લેડના નિશાન જણાઇ આવ્યા. તેમણે કહ્યુ કે, અમારી હોસ્પિટલ સામે કોઈ વળતરની અપેક્ષા નથી.

પણ મારી જેમ કોઇને પત્ની અને બાળક ખોવાનો વારો ના આવે એટલે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થવી જોઇએ. અમે જડિયા હોસ્પિટલના તબીબોએ આપેલા ગોળગોળ જવાબોને કારણે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી છે. પોલિસ પૂછપરછમાં તબીબ દંપતીએ જણાવ્યું હતું કે, મહિલાને અગાઉ ડિલિવરી દરમિયાન તકલીફ હોવાની વાત પરિવારે છૂપાવી હતી.

મહિલાની સીઝર દ્વારા ડિલિવરી કરવા માટે સલાહ આપી હતી પણ પરિવારે નોર્મલ ડિલીવરીનો આગ્રહ રાખ્યો હતો. આ મામલે જડીયા હોસ્પિટલના તબીબે જણાવ્યું કે, દર્દીને સીઝર દ્વારા બાળકને જન્મ આપવા માટે પરિવાર સાથે વાત કરવામાં આવી હતી. પણ પરિવાર તૈયાર ન થતા સમજાવ્યા બાદ પતિએ સીઝર કરવાની મંજૂર આપી હતી. ત્રણ ગાયનેકોલોજીસ્ટની ટીમ દ્વારા સીઝર કરવામાં આવ્યું પણ કોથળી ફાટેલી હતી અને બ્લિડીંગ થતું હતું.

Shah Jina