વડોદરાના યુવકનું કેનેડામાં પાણીમાં ડૂબી જતા મોત થયું હતું , માતા સાથે ફોન પર થઇ હતી આ છેલ્લી વાતચીત

કેનેડામાં પર્વત પરથી ઠંડા પાણીમાં કૂદકો માર્યો ને વડોદરાના વિદ્યાર્થીનું ડૂબવાથી મોત, ભાંગી પડ્યા હતા માતાપિતા

વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓના મોતની ઘટના સામે આવે છે, જેમાં કેટલીકવાર કોઇના રહસ્યમય સંજોગોમાં તો કેટલીકવાર કોઇના અકસ્માતે મોત થાય છે. ત્યારે કેનેડા ભણવા ગયેલા વડોદરાના યુવકનું પણ ક્લિફ જમ્પિંગ દરમિયાન ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વડોદરામાં માતા-પિતાએ જમવાનું છોડી દીધું અને તે પછી ભારે સમજાવટ બાદ તેમણે બે દિવસ પછી જમવાનું શરૂ કર્યુ હતુ.

વડોદરાના વારસિયા ઈદ્રલોક સોસાયટીમાં રહેતા સુનીલભાઈ માખીજા ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવે છે. તેમનો મોટો દીકરો રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો. તેણે અભ્યાસ પૂરો થતાં નોકરી માટે એપ્લાય કર્યું અને તે મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો.

આ દરમિયાન તે 20 ઓકટોબર 2021ના રોજ મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવા સમયે તેનું મોત ડૂબી જવાને કારણે થયુ હતુ. તેનો એક મિત્ર યસ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને પગલે ગભરાયો હતો, પણ તેના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી જવા પામ્યો હતો. પણ રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મોત થયુ હતુ.

ત્યારે આ ઘટનાની જાણ રાહુલના વડોદરા રહેતા માતા-પિતાને થતા તેમની તો રડી રડીને હાલત ખરાબ થઇ ગઇ હતી. માતા-પિતાએ તો જમવાનું પણ છોડી દીધું હતું. જો કે, ભારે સમજાવટ બાદ તેમણે બે દિવસ પછી ફરી જમવાનું શરૂ કર્યુ હતુ. રાહુલના મોત બાદ તેના મૃતદેહને કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યો હતો. સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરાતાં તેઓ પણ પરિવાર પાસે દોડી ગયા હતા અને તેમના પ્રયાસોથી એક દિવસ વહેલો મૃતદેહ વડોદરા આવ્યો હતો.

Shah Jina