સાબરકાંઠામાં જૈન સાધ્વી અને શ્રાવિકાનું રસ્તા પર જ થયું દર્દનાક મૃત્યુ, પાલખીયાત્રા કાઢી કરાયા અંતિમ સંસ્કાર

દુઃખદ: ઇડર વડાલી રોડ પર 27 વર્ષના સાધ્વી પગપાળા જતા હતા અને અચાનક થયું દર્દનાક મૃત્યુ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર હિટ એન્ડ રનના કિસ્સાઓ ઘણા સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે, કોઇ તેજ રફતાર કાર કે કોઇ મોટુ વાહન જેમ કે ટ્રક રાહદારીને કે કોઇ ટુ વ્હીલરને અડફેટે લે છે,જેમાં કેટલાક લોકોનું મોત નિપજતુ હોય છે, તો કેટલાક લોકોને ગંભીર ઇજા પહોંચતી હોય છે. હાલમાં હિટ એન્ડ રનનો કેસ ઇડર વડાલી રોડ પર જેતપુર નજીકથી સામે આવ્યો છે, જેમાં ગત સોમવારના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ વિહારમાં નીકળેલ 27 વર્ષીય જૈન સાધ્વી અને એક શ્રાવિકાને ઇકો કારે પાછળથી ટક્કર મારી હતી, જેમાં બંનેને જીવલેણ ઈજા પહોંચતા બંનેના મોત થયા હતા. આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત બાદ ઇકોનો ચાલક ફરાર થઇ ગયો હતો.

Image source

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, 9 મેના રોજ સવારે ઇડરમાં નવીન ઉપાશ્રયનો શિલાન્યાસ હતો, જેને લઇને ઇડર પાવાપુરી જૈન મંદિરથી જૈન આચાર્ય રીમકારેશ્વર મહારાજ, અન્ય એક સાધુ મહારાજ અને વિશુદ્ધિ મહારાજ અરવલ્લી સોસાયટીમાં આવ્યા હતા. અહીં નવીન ઉપાશ્રયનો શિલાન્યાસ કરી સાંજે 6.30 વાગ્યા આસપાસ તેઓ વિહાર કરી વડાલીના વટપલ્લી જૈનતીર્થમાં પગપાળા જવા નીકળ્યા હતા. તેમની સાથે સૂચિતકુમાર શાહ નામના એક વ્યક્તિ કાર લઇને નીકળ્યા.

Image source

ગાડીની આગળ એક મહારાજ અને પાછળ સાધ્વી વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ તેમજ બે શ્રાવિકા દિયાબેન સચીનકુમાર દોશી અને બીજા એક શ્રાવિકા અને અન્ય એક સાધ્વીજી મહારાજ પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન જ રાત્રે 9 વાગ્યા આસપાસ વડાલી નજીક જેતપુર બસ સ્ટેન્ડથી થોડે આગળ ઇડર તરફથી આવી રહેલ ઇકો કારના ચાલકે વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ અને શ્રાવિકા દિયાબેન દોશીને ટક્કર મારી હતી. જેના લીધે તેઓ રોડ પર ઘસેડાયા હતા અને બંનેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.

જો કે, તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાધ્વીજીના મોતને પગલે અને શ્રાવિકાના મોતને પગલે જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ત્યારે હવે સાધ્વીજી અને શ્રાવિકાના મોતને પગલે બેફામ વાહનો હંકારતા ચાલકો વિરૂદ્ધ કડક કાયદો લાવવાની માંગ ઉઠી રહી છે. પૂજ્ય સાધ્વીજીના પાર્થિવ દેહને વડાલીના વટપલ્લી તીર્થ ખાતે દર્શન અર્થે રાખવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લા સહિત શહેરના જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

તેમની વાજતે ગાજતે ભવ્ય પાલખીયાત્રા પણ યોજવામાં આવી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક શ્રાવિકા દિયાના કાકાએ જણાવ્યુ કે દિયાનો પરિવાર ઇડર વલાસણા રોડ પર આવેલ અરવલ્લી સોસાયટીમાં રહે છે. દિયા નાનપણથી જ ધાર્મિક હતી અને તેનો પરિવાર પણ ધાર્મિક હતો. આ ઉપરાંત જો કોઇ ધર્મનું કામ હોય કે કોઇ સાધુ ભગવાનનું કામ હોય કે પછી સેવા હોય કે વિહાર દિયાના ભાવ પણ ઘણા ઉચ્ચ હતા. તેમણે જણાવ્યુ કે, દિયા તપ અને આરાધના ઘણી કરતી હતી.

Shah Jina