4 મહિના પહેલા જોડિયા દીકરીઓનો થયો હતો જન્મ, પહેલીવાર પિતાએ મોસાળમાંથી લાવવા માટે એવી ધામધૂમ કરી કે તમે પણ જોતા જ રહી જશો

આપણા દેશની અંદર આજે પણ ઘણા એવા લોકો અને સમાજ છે જે પુત્ર પ્રાપ્તિની ખેવના રાખીને બેઠા હોય છે. ઘણા પરિવારમાં જો કોઈ સ્ત્રી દીકરીને જન્મ આપે છે તો તેનું માન સન્માન પણ ઘટી જાય છે અને તેને મહેણાં ટોણા સાંભળવા પડતા હોય છે, પરંતુ બીજી તરફ ઘણા એવા ઉદાહરણો પણ જોવા મળે છે જેમાં દીકરીના જન્મ બાદ તેનું પરિવારમાં ધામધૂમથી સન્માન કરવામાં આવે છે.

હાલ એવી જ એક ઘટના સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આજે પણ જ્યાં સમાજમાં લોકો દીકરીઓને બોજ માને છે ત્યારે ધાર જિલ્લાના ભાયલ પરિવારે સમાજને અનોખો સંદેશ આપ્યો છે. ધારના કોંડામાં રહેતા મયુર ભાયલને ચાર મહિના પહેલા ગણેશ ચતુર્થીના દિવસે બે જોડિયા દીકરીઓનો જન્મ થયો હતો.

જન્મથી લઈને અત્યાર સુધી બંને દીકરીઓ તેમના મોસાળમાં રહેતી હતી, જેમને લેવા માટે દીકરીઓના દાદા, તેના પિતા અને આખો પરિવાર પહોંચી ગયો હતો. નવજાત દીકરીઓને ઘરે લાવવા માટે પરિવારે ભવ્ય તૈયારીઓ કરી હતી, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

દીકરીઓના ઘરે પ્રથમ આગમન નિમિત્તે બેન્ડ અને ડીજે સાથે શહેરમાં 2 કિમી દૂર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. માતા અને બંને પુત્રીઓને બગીમાં ફૂલોની વર્ષા કરીને ઘરે લાવવામાં આવ્યા હતા. પરિવાર આખા રસ્તે નાચ્યો હતો અને દીકરી બચાવો, દીકરીઓને ઘરે ખુશીઓ લાવોનો સંદેશ આપ્યો હતો.

એટલું જ નહીં ઘરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને દીકરીઓના પગના નિશાન લેવામાં આવ્યા હતા. દીકરીઓને ભવ્ય રીતે આવકારવાનું કારણ પૂછતાં જગદીશ ભાયલે જણાવ્યું હતું કે મારે એક સાથે બે દીકરીઓ છે, અને એ પણ જોડિયા. જેના કારણે હું ભાગ્યશાળી છું. જે લોકો દીકરીઓને ગર્ભમાં મારી રહ્યા છે તેના માટે સરકાર લોકોને જાગૃત કરે. મારા ઘરે બે દીકરીઓ એકસાથે આવી ત્યારે મેં ખુશીનો સંદેશ આપવા આ કર્યું.

Niraj Patel