વડોદરામાં પોલિસે આરોપીને સાથે રાખીને કર્યુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, તૃષાના કપાયેલા હાથને લઇને સામે આવી હકિકત

વડોદરાના બહુ ચર્ચિત તૃષા સોલંકી હત્યા કેસમાં આજે ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી કલ્પેશ ઠાકોરને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ. પોલિસ કલ્પેશ સાથે મુજાર ગામ ગામડી જવાના રોડના બનાવ સ્થળે પહોંચી હતી. પોલિસ પહેલા તો આરોપીને તેના ઘરે લઇ ગઇ હતી અને પછી ઘટનાસ્થળે લઇ ગઇ હતી. 22 માર્ચની રાત્રે બનેલી 37 મિનિટની ઘટનાની પોલિસે ઝીણવટભરી તપાસ કરી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીના ઘર અને દુકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી. કલ્પેશ ઠાકોરે જ્યાં હથિયાર છુપાવ્યું હતું તે જગ્યા બતાવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જઇને રિકન્સ્ટ્રક્સન કર્યું હતું.

હત્યા કરીને આવ્યા બાદ આરોપીએ જ્યાં યુવતીનું એક્ટિવા મુક્યુ ત્યાંથી પોતાના મિત્રને જ્યાં ઉભો રાખ્યો હતો, તે સ્થળ પણ બતાવ્યું. ત્યાંથી તે ઘરે જવા રવાના થયો હતો. આ ઉપરાંત આ દરમિયાન એક ખૂબ જ મહત્વની વાત સામે આવી હતી. તૃષાની લાશ હાથ કપાયેલી હાલતમાં મળી આવી હતી. ત્યારે તેનો હાથ કેવી રીતે કપાયો તે અંગે તેણે જણાવ્યું કે, તૃષાએ સ્વબચાવ કરવા જતા હાથ વચ્ચે લાવતા તેનો હાથ કપાઇ ગયો હતો.22 માર્ચના રોજ રાત્રે કલ્પેશ ઠાકોર નામના યુવકે તૃષા સોલંકીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી.

તેણે લાશનો એક હાથ પણ કાપી નાખ્યો હતો. તેણે તૃષાને પાળિયાના 10 જેટલા ઘા ઝીંક્યા હતા અને તે લોહીવાળુ પાળિયુ તેની ઓઢણીથી જ સાફ કર્યુ હતુ. હત્યા કર્યા બાદ તેણે તૃષાનો ફોન બંધ કરી દીધો હતો અને તેનું એક્ટિવા પણ એક કિલોમીટર દૂર છોડી દીધુ હતુ. ત્યારે આરોપીને ગઇકાલના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટમાં કલ્પેશના ચહેરા પર સહેજ પણ પસ્તાવો જોવા મળ્યો ન હતો અને તેને કોઇ વાતનું દુખ પણ હોય તેવું લાગતુ ન હતુ. જજ દ્વારા આરોપી કલ્પેશ ઠાકોરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જો કે, રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા હતા અને તે બંને હાથ ભેગા કરી મુઠ્ઠીવાળી બેસી રહ્યો હતો. આરોપીને ગુરુવારના રોજ વડોદરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેને સાંજે 4.20 વાગ્યે કોર્ટમાં જજ સમક્ષ હાજર કરવામાં આવ્યો તે બાદ તેને જજ દ્વારા પુછવામાં આવ્યું કે શું તને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે ?તો આના જવાબમાં તેણે ના કહ્યું હતું.

કોર્ટ કાર્યવાહી લગભગ ત્રીસેક મિનિટ સુધી ચાલી હતી અને વીસ મિનિટ સુધી તો કલ્પેશ કોઇપણ ડર વિના બેસી રહ્યો હતો અને જે કોઇ તેની સામે જુએ તેની સામે આંખમાં આંખ મિલાવીને સામે જોઇ રહ્યો હતો. આમ તો કલ્પેશ સુનાવણી સમયે એકદમ મક્કમ જોવા મળ્યો પરંતુ જેવા જ જજ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા કે તરત જ તેના હાવભાવ બદલાઇ ગયા. લગભગ દસેક મિનિટ સુધી તો તે કોર્ટમાં બંને હાથ ભીંસીને બેસી રહ્યો અને ચહેરાના હાવભાવ પણ છેલ્લે છેલ્લે બદલાઇ ગયા તેમજ કોર્ટમાં હાજર પોલીસકર્મીઓ તરફ વારંવાર નજર કરી તેમને જોઇ રહ્યો હતો.

Shah Jina