9 જુલાઈના રોજ થયેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 15 દિવસ થઇ ગયા છે, જો કે તેમ છતાં પણ ત્યાં લટકતી ટ્રક એટલે કે ટેન્કર હટાવાઇ નથી. દુર્ઘટનાના સમયે ડ્રાઈવર તો બચી ગયો, પરંતુ તેનું ટેન્કર આજે પણ જોખમી રીતે બ્રિજ પર લટકી રહ્યું છે. અંકલેશ્વર સ્થિત શિવમ રોડલાઈન્સના માલિકે પણ કહ્યું કે, 30 લાખના લોન વાળા તેમના ટ્રક માટે તેઓ દસ દિવસથી આણંદ અને વડોદરા વચ્ચે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ નથી. બ્રિજની સ્થિતિ જોઈને રેસ્ક્યૂ ટીમે પણ તેને હટાવવાનું જોખમી ગણાવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ રેસ્ક્યૂ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને હવે ટેકનિકલ રીતે ટ્રક હટાવવાની કામગીરી શરૂ થઈ છે. માળખાકીય તકલીફો અને જગ્યા ઓછી હોવાને કારણે ભારે મશીનરીની જગ્યા નથી, તેથી ટ્રકને કેવી રીતે હટાવવો એ મુદ્દે નિષ્ણાતોની ટીમ કામ કરી રહી છે. આણંદ કલેક્ટરે જણાવ્યું કે, વીમા ક્લેમ માટે સરકાર તરફથી પ્રમાણપત્ર આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને ટ્રક માલિકને EMIમાં રાહત મળે એ માટે બેન્કોને પત્ર લખાયો છે.

ઘટનાના 15 દિવસ પછી પણ ટેન્કર-ટ્રક લટકી રહ્યા છે, તંત્ર હજુ પણ ટૂંક સમયમાં ઉકેલ આવશે એવું આશ્વાસન આપી રહ્યું છે. આ મામલે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે બંને જિલ્લાઓ વચ્ચે વિવાદ હોય કે પ્રશાસનનો એકબીજા પર ઢોળી રહ્યાં હોવાના કારણે વિલંબ થઈ રહ્યો હોય તેવું કશું જ નથી. વાસ્તવિકતા એ છે કે પહેલાં ઘણા દિવસો સુધી રેસ્ક્યુ ઑપરેશન ચાલવાના કારણે અને ત્યારબાદ અમુક ટેકનિકલ કારણોસર ટ્રક હટાવી શકાઈ ન હતી. તેમ છતાં ટ્રક માલિકને આણંદ જિલ્લા કલેક્ટર કચેરી તરફથી તમામ પ્રકારનો સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

EMI બાબતે કલેક્ટર અનુસાર, આ મામલો બેન્ક અને ટ્રક માલિક વચ્ચેનો છે અને સીધી રીતે પ્રશાસન કોઈ હસ્તક્ષેપ કરી શકે તેમ નથી, જો કે તેમ છતાં પણ બેન્કને એક પત્ર લખીને માનવતાના ધોરણે હપ્તો બે-ત્રણ મહિના માટે પાછળ ઠેલી દેવા માટે વિનંતી કરવામાં આવી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીને પણ રજૂઆત મોકલવામાં આવશે, જેથી ટ્રક માલિકને EMIમાં રાહત મળી શકે.