અમરનાથ યાત્રા દરમિયાન એક દુઃખદ ઘટના બની. વડોદરાના તરસાલીમાં ચંદ્રલોક સોસાયટીમાં રહેતા યાત્રિક મહેશભાઈ ઉત્તેકર બાબા અમરનાથની ગુફાથી ફક્ત 20 પગથિયાં દૂર હતા, ત્યારે અચાનક તેઓ પડી ગયા અને બ્રેઇન હેમરેજ થઇ ગયું. ત્યારબાદ તેમને તાત્કાલિક શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં હતા. અંતે, તમામ પ્રયાસો છતાં 22 જુલાઇએ તેમનું અવસાન થયું.

મહેશભાઈ 12 દિવસ પહેલાં અમરનાથ યાત્રા માટે પોતાના મિત્રો સાથે વડોદરાથી રવાના થયા હતા. યાત્રાના અંતિમ તબક્કામાં તેઓ ખૂબ જ ખુશ દેખાતા હતાં. તેમના અંતિમ પળનો એક વીડિયો પણ સામે આવ્યો, જેમાં તેઓ આનંદભેર નૃત્ય કરતા નજરે પડે છે. પરંતુ અફસોસ કે બાબા બર્ફાનીના દર્શનથી થોડી જ ક્ષણો પૂર્વે તેઓ પડી જતાં બ્રેઇન-હેમરેજ થઈ ગયુ અને તેઓ મોતને ભેટ્યા.

મહેશભાઈના મૃતદેહને 22 જુલાઈના રોજ શ્રીનગરથી પ્લેન મારફતે વડોદરા લાવવામાં આવ્યો. કોફિન અને ટિકિટની વ્યવસ્થા અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા કરવામાં આવી. જો કે વિમાન દ્વારા મૃતદેહ લાવવામાં માટે વડોદરાના અંબુભાઈ પટેલ (મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ) અને પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ દ્વારા સહાય કરવામાં આવી.

મહેશભાઈના પરિવારમાં તેમની પત્ની, બે દીકરીઓ અને પુત્ર છે, તેમનો પુત્ર હૈદરાબાદમાં આર્મીમાં ફરજ બજાવે છે. તેઓ મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમના અચાનક અવસાનથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.