માધ પૂર્ણિમા પર સર્જાઈ મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી તળાવમાં પલટી ખાઈ ગઈ, 24ના મોત, 30 ઘાયલ

Tractor Trolley Accident : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવા અકસ્માતમાં કેટલાય લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે અને મોટાભાગના અકસ્માત માનવ ભૂલના કારણે જ સર્જાતા હોવાનું પણ સામે આવે છે. ત્યારે હાલ એક એવા જ અકસ્માતની ખબર સામે આવી રહી છે, જેમાં એક ટ્રોલી તળાવમાં પલટી ખાઈ જતા તેમાં બેઠેલા 24 લોકોના મોત થઇ ગયા છે, જયારે આ દુર્ઘટનામાં 30 જેટલા લોકો ઘાયલ પણ થયા છે.

ટ્રેકટર ટ્રોલી તળાવમાં પલટી ગયા :

આ ઘટના સર્જાઈ છે ઉત્તર પ્રદેશના કાસગંજમાં. જ્યાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી 24 લોકોના મોત થઇ ગયા છે. તેમના મોતના સમાચાર કાસા ગામમાં પહોંચતા જ હાહાકાર મચી ગયો હતો. આજુબાજુના ગામડાઓમાંથી ભારે ભીડ ઉમટી પડી હતી. ગામના એક દીકરાના મુંડન સંસ્કાર માટે બધા ગંગાજી જઈ રહ્યા હતા. ટ્રેક્ટર-ટ્રોલીમાં કુલ 54 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેક્ટર-ટ્રોલી ઓવરલોડ હતી. એવું માનવામાં આવે છે કે આ કારણે તે અસંતુલિત થઈ ગઈ.

24 લોકોના મોત :

ઘટના બાદ ગ્રામજનો દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ થયેલા અનેક શ્રદ્ધાળુઓને મોટી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે માર્યા ગયેલા તમામ લોકો માઘ પૂર્ણિમાના અવસર પર પટિયાલીના કાદરગંજ ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યા હતા. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે શનિવારે સવારે કાસગંજમાં એક ટ્રેક્ટર-ટ્રોલી પલટીને તળાવમાં પડી ગઈ, જેના કારણે સાત બાળકો સહિત 24 લોકોના મોત થયા.

30 જેટલા લોકો ઘાયલ :

પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પટિયાલી-દરિયાવગંજ રોડ પર જ્યારે ટ્રેક્ટર-ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા લોકો ગંગા નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અલીગઢ રેન્જ કમિશનર શલભ માથુરે જણાવ્યું કે, ટ્રેક્ટર-ટ્રોલી પલટી મારીને 7-8 ફૂટ ઊંડા તળાવમાં પડી ગઈ. તેમણે કહ્યું કે ટ્રેક્ટર ચાલક અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેથી જ આ અકસ્માત થયો હતો. સાત બાળકો સહિત કુલ 24 લોકોના મોત થયા છે. લગભગ 30 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Niraj Patel