ખુલી રહ્યા છે 10 લોકોની જીવ લેનારા તથ્ય પટેલના કારનામા, કારમાં સાથે રહેલી યુવતીએ જ કહ્યું “મેં તેને કાર ધીમી કરવા કહ્યું પણ તે માન્યો નહિ અને 100 પાર જતા જ…”

Statement of girl in ISKCON accident : અમદાવાદના ચકચારી ભરેલા અકસ્માતમાં એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. 10 લોકોને અક્સમાતમાં મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની કારમાં તેની સાથે તેના અન્ય 5 મિત્રો પણ હતા, પરંતુ અકસ્માત બાદ જયારે લોકો તથ્યને માર મારી રહ્યા હતા ત્યારે તે ત્યાંથી ફરાર થઇ ગયા હતા, પરંતુ બીજા દિવસે એ પાંચેય મિત્રોની પોલીસે અટકાયત કરી હતી, જેમાં 3 યુવતીઓ પણ સામેલ હતી.

કારની સ્પીડ ધીમી કરવા કહ્યું હતું યુવતીએ :

આ બધા જ મિત્રો તથ્યની સાથે અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આ પાંચેયની અટકાયત કરીને પુછરપછ પણ હાથ ધરી હતી જેમાં તથ્ય સાથે રહેલી એક યુવતીએ આ મામલે એક મોટો ખુલાસો કર્યો છે. તેને જણાવ્યું કે “મેં તેને કાર ધીમી ચલાવવાનું જણાવ્યું હતું, પણ તે માન્યો જ નહીં અને કારની સ્પીડ વધારતો ગયો છે. 100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર રહી નહિ અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યાર બાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગઈ હતી.”

6 લોકો હતા કારમાં સવાર: 

ઘટના સમયે કારમાં કુલ 6 લોકો બેઠેલા હતા, જે એક કેફેમાં ગયા બાદ પરત આવી રહ્યા હતા. જેમાં તથ્ય સાથે મળીને કુલ ત્રણ યુવક અને ત્રણ યુવતીઓ હતી. જયારે કાર કર્ણાવતી ક્લબથી આગળ વધી ત્યારે તથ્યએ કારની સ્પીડ વધારતા જ તેની સાથે બેઠેલી યુવતીએ તથ્યને કાર ધીમી કરવા માટે જણાવ્યું, પરંતુ તે માન્યો નહિ અને કાર 100થી પણ વધુની સ્પીડે ભગાવી અને ઇસ્કોન હાઇવે પર પહોંચતા જ અકસ્માત સર્જાયો હતો.  જેના બાદ લોકો બૂમો પાડી રહ્યા હતા અને ત્યારે જ તેમને કોઈ લઇ ગયું. યુવતીએ એમ પણ જણાવ્યું કે ત્યારબાદ શું થયું એ મને ખબર નથી.

મૃતકોના પરિવારજનો ન્યાય માંગી રહ્યા છે :

આ ગોઝારા અકસ્માતની અંદર 10 પરિવારનો માળો વિખેરાઈ ગયો, પરિવારજનો પણ આ મામલે ન્યાયની માંગણી કરી રહ્યા છે.  આ દુર્ઘટનામાં 6 યુવકો મોતને ભેટ્યા છે જે અમદાવાદમાં ભણવા માટે આવ્યા હતા, તેમના મૃતદેહ પણ તેમના વતન પહોંચતા ત્યાં કલ્પાંત સર્જાયો હતો. તો આ ઉપરાંત 2 પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડનું પણ મોત થયું છે. એક પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે તેમના પરિવારજનો પણ આ મામલે ન્યાય માંગી રહ્યા છે.

Niraj Patel