આ ફેમસ અભિનેત્રીએ “દયાબેન”ના રોલ માટે આપ્યું હતું ઓડિશન, જાણો વિગત

ટીવીના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરની પહેલી પસંદ છે, આ શો દર્શકોને એ હદ સુધી પસંદ છે કે આજના જુવાનિયા અને ઉંમર લાયક લોકો પણ આ શોને હોંશે હોંશે જોતા હોય છે, ત્યારે આ શોના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરતા હોય છે, ત્યારે ઘણા એવા પાત્રો પણ છે જે આ શોને અલવિદા કહીને ચાલ્યા ગયા છે અને તેમની જગ્યા નવા પાત્રોએ લઇ લીધી છે.

પરંતુ એક એવું પાત્ર છે જે શોમાંથી 5 વર્ષ પહેલા મેટરનિટી લિવ પર ગયું હોવા છતાં પણ હજુ પરત નથી ફર્યું અને દર્શકો પણ આ પાત્રના આવવાની રાહ જોઈ રહ્યા છે. આ પાત્ર છે શોના દયાબેનનું. જે અભિનેત્રી દિશા વાકાણી નિભાવી રહી હતી. દયાબેનના શોમાં પરત ફરવાની ઘણીવાર અટકળો પણ સામે આવી હતી, પરંતુ છેલ્લે તો ચાહકોને નિરાશા જ મળી, ત્યારે થોડા સમય પહેલા જ દયાબેનનું રિપ્લેસમેન્ટ શોધવાનું પણ ચાલુ કરવાનું કહેવામાં આવ્યું હતું.

દયાબેનના પાત્ર માટે શોના મેકર્સ દ્વારા ઓડિશન પણ લેવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ પાત્ર ફાઇનલ નથી થયું, ત્યારે હવે એક અભિનેત્રીએ ઓડિશનની હકીકત ખોલી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રી કાજલ પિસલ દયાબેનના રૂપમાં વાપસી કરવાની છે. પરંતુ હવે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેને આ પાત્ર માટે કોઈ ફોન નથી આવ્યો.

કાજલ પીસલે જે નિવેદન આપ્યું છે તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે હવે શોમાં દયાબેનની હાલ એન્ટ્રી નથી થવાની. થોડા સમય પહેલા જ એ ખબર સામે આવી હતી કે કાજલ દયાબેનના પાત્રમાં નજર આવશે, પરંતુ હવે કાજલે જણાવી દીધું છે કે તે ઓડિશન આપવા માટે જરૂર ગઈ હતી, પરંતુ મેકર્સ દ્વારા તેને પછીથી કોઈ ફોન કરવામાં નથી આવ્યો.

એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કાજલે કહ્યું, “હા, મેં ઓગસ્ટ મહિનામાં દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું. હું તે સમયે તેના વિશે વાત કરવા માંગતી નહોતી. કારણ કે હું માત્ર ઓડિશન માટે ગઈ હતી. મને રોલ મળ્યો નથી અને મારી અને મેકર્સ વચ્ચે કંઈ નક્કી થયું નથી. ઓડિશન આપ્યા બાદ મેં મેકર્સનો કોલ આવવાની ઘણા સમય રાહ જોઈ, પણ કોલ આવ્યો નહીં. મને લાગ્યું કે મારી પસંદગી થઈ નથી. જો કે, કેટલાક પ્રોડક્શન હાઉસ અને કાસ્ટિંગ ડિરેક્ટર્સને મનમાં હતું કે હું દયાબેનની ભૂમિકા ભજવીશ, તેથી તેઓએ મને કામ માટે એપ્રોચ કરી નહોતી.”

કાજલ પિસલે આગળ કહ્યું, “મને આ વાત ત્યારે સમજાઈ જ્યારે કેટલાક લોકોએ મને ફોન કરીને પૂછ્યું કે શું હું તારક મહેતામાં દયાબેનનો રોલ કરી રહી છું. શું મેં તે શો સાઈન કર્યો છે? હું આ ઈન્ટરવ્યુ દ્વારા બધાને કહેવા માંગુ છું કે મેં આ શો સાઈન કર્યો નથી. ઓડિશન પછી મેકર્સે મારો સંપર્ક પણ ન કર્યો. હું કામ કરવા માટે નવા શો શોધી રહી છું. જો કોઈ પાત્ર મને અનુકૂળ આવે તો મને કોલ કરો.” આવી સ્થિતિમાં, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દયાબેનના પાત્રની વાપસીના સમાચારથી ખુશ થયેલા ચાહકો માટે માઠા સમાચાર છે.

Niraj Patel