વૈષ્ણોદેવી ભવનમાં મચેલી ભાગદોડના ભયાનક વીડિયો આવ્યા સામે, મરેલા લોકોની લાશો લઇને ભાગતા જોવા મળ્યા લોકો

નવા વર્ષ 2022ના પહેલા જ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. વૈષ્ણોદેવી મંદિરમાં ગઇકાલની રાત્રે નાસભાગમાં 12 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી હતી અને હવે આ આંકડો 13 થઇ ચૂક્યો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાના પણ સમાચાર છે. આ નાસભાગમાં એક પરિવાર જે ગુજરાતના રાજપીપળાનો હતો તે જોશી પરિવારનો આબાદ બચાવ થયો હતો. હાલ તેઓ સલામત રીતે કટરા પહોંચી ચૂક્યા છે. ત્યારબાદ તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજપીપળાનો જોશી પરિવાર 23 ડિસેમ્બરે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો. જ્યાંથી તેઓ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે ગયા હતા.

આ દરમિયાન નાસભાગની સમગ્ર ઘટના તેમણે પોતાની નજર સામે નિહાળી હતી. ઘટના સમયે પરિવાર ત્યાં ફસાયો હતો. જેમાં પરિવારના 6 સભ્ય પણ ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા જ રાજપીપળામાં તેમના પરિવારમાં ચિંતાનો માહોલ હતો.પરંતુ તે બાદ તેમને જાણ થતા કે તેઓ સુરક્ષિત છે ત્યારે પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના મનાલી જોશીએ વીડિયો દ્વારા સલામત હોવાની માહિતી રાજપીપળા રહેતા સ્વજનોને આપી હતી.

આ દુર્ઘટનાના આંખો દેખ્યા અહેવાલ વિશે જણાવ્યુ હતુ કે, 31 તારીખની રાત્રે અમે માતાજીના દરબારમાં યાત્રા શરૂ કરી હતી. લગભગ 2.30 વાગ્યાના સમયે અમે વૈષ્ણોદેવી મંદિરમાં પહોંચ્યા હતા. ત્યાં અચાનક પાછળથી એક ટોળુ આવ્યું હતું. જેને કારણે અફરાતરફી મચી જવા પામી હતી. અમે ખુદ અમારી આંખોએ આ ઘટના જોઈ હતી. મારી સાથે પરિવાર હતો, અમે એકબીજાથી વિખૂટા પડી ગયા હતા અને એક કલાકની મહેનત બાદ ફરી મળ્યા હતા. ત્યાર બાદ અમે મહામહેનતે ધોડા અને ડોલીની મદદ લઈ નીચે ઉતર્યા. હાલ ઘણી મુશ્કેલીઓ બાદ જમ્મુના કટરા ખાતે આવી પહોંચ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, રીપોર્ટ અનુસાર કટરા સ્થિત ભવનમાં ઘટના રાત્રે અંદાજે 2.45 વાગ્યાની છે. ગેટ નંબર-3 પાસે આ દુર્ઘટના બની હતી. નવા વર્ષ નિમિત્તે સાંજથી જ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટવા લાગ્યા હતા. કોરોના પ્રોટોકોલ હેઠળ ભવન વિસ્તારમાં આવી નાસભાગ કેવી રીતે થઈ તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.

દિવ્યભાસ્કરના રિપોર્ટ અનુસાર આ સમયે દુર્ઘટનાને નજીકથી જોનાર હિમાંશુ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના પાનીપતના ખેલ બજારમાં રહે છે. તે તેમના દોસ્તો હિમાંશુ શર્મા, રાઘવ, જતીન સાથે બે જ દિવસ પહેલાં જ વૈષ્ણોદેવી દર્શન માટે આવ્યા હતા. જ્યુરીએ તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. રાતે અંદાજે અઢી-પોણાત્રણનો સમય હતો.

દર્શન કરીને જનારા અને દર્શન કરીને આવનારા દરેક લોકોની ભીડ ચેક પોસ્ટ 3 નજીક ભેગા થયા હતા. હવે પછી ત્યાં ના અહીંથી આવવાનો રસ્તો હતો, ના જવાનો, તો પણ અહીં વ્યવસ્થા સંભાળતા CRPFએ બેજવાબદારપૂર્ણ વર્તન કર્યું હતું. ભીડને થોડી થોડી આગળ-પાછળ કરવાની જગ્યાએ તેમણે લોકોને ડંડાથી ડરાવવાનું-ધમકાવવાનું શરૂ કર્યું હતું. એ બધાને ધમકાવતા કહેતા હતા કે કોઈ વીઆઈપીને આવવાના છે, તેમને દર્શન કરાવવાનાં છે.

રસ્તો જલદી ખાલી કરો, પરંતુ જવાનો એ નહોતા જોતા કે ત્યાં હલવાની સહેજ પણ જગ્યા નહોતી. તેમ છતાં લોકો ડરને કારણે ઝડપથી આગળ-પાછળ થવા લાગ્યા અને પરિણામે ધક્કા-મુક્કી શરૂ થઈ હતી. અમે એ જ લાઈનમાં હતા. જ્યાં સૌથી પહેલા ત્યાં જ ધક્કા-મુક્કી શરૂ થઈ હતી.

રાજપીપળા નવાપરામાં રહેતા સુભાષચંદ્ર દલસુખરામ જોષી, તેમનાં પત્ની હેમલતાબેન જોષી, દીકરો પાર્થ જોષી, વહુ મનાલી અને પૌત્રો શૌર્ય અને ઐશ્રી આમ 6 સભ્ય ગત 23 તારીખે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયાં હતાં. જમ્મુ-કાશ્મીર ફરીને રિટર્નમાં વૈષ્ણોદેવીનાં દર્શને જતાં હતાં. રાત્રિના 9 વાગે મંદિર તરફ જવાનું શરૂ કર્યું, એક રસ્તો દર્શન માટે જતો હતો, જ્યારે સામેથી બીજી લાઈન દર્શન કરી પરત ફરતી હતી.

મંદિરથી એક કિમી દૂર રાત્રિના 2 વાગે જવા-આવવાની લાઈનો ભેગી થઈ અને અચાનક જ દોડધામ થઈ, જેમાં અફરાતફરી મચી અને લોકો પડ્યા-કચડાયા. લગભગ 12 જેટલા ભક્તોનાં મોત થયાં, જ્યારે કેટલાય ઘાયલ થયા. ત્યારે રાજપીપળાનો આ જોષી પરિવાર પણ ભાગદોડમાં ધક્કા-મુક્કીમાં છૂટોછવાયો થઈ ગયો હતો.

ભાગદોડ શાંત થઈ ત્યારે એક જગ્યાએથી એનાઉન્સ કરીને આ જોષી પરિવાર ભેગો થયો ત્યારે જીવમાં જીવ આવ્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા રાજપીપળામાં તેમના પરિવારને જાણ થતાં તેમનામાં પણ ચિંતા થતી હતી. જોકે હેમખેમ હોવાની માહિતી મળતાં પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના બાદ પોતે જ્યાં રોકાયા હતા એ હોટલમાં પરત ફર્યા હતા.

નવા વર્ષ 2022ના પહેલા જ દિવસે મોડી રાત્રે માતા વૈષ્ણો દેવી ભવનમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. માતાના દર્શન માટે પહોંચેલા ભક્તોની ભીડમાં અચાનક નાસભાગ મચી જવાથી 12 લોકોના મોત થયા હતા અને હાલ આ આંકડો વધીને 13 થઇ ગયો છે અને અનેક લોકો ઘાયલ થયા હતા. મોડી રાત્રે 2.45 વાગ્યે બનેલી આ ઘટના પર PM નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. હાલ ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના પછીના વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં રાહતકર્મીઓ ઘાયલોને ભીડની વચ્ચેથી લઈ જતા જોઈ શકાય છે.

વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગને લઈને ટ્વિટર પર ઘણા વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, આ વીડિયો ત્યાં હાજર ભક્તોએ રેકોર્ડ કર્યા છે. ટ્વિટર યુઝર ઉપમા શર્મા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વૈષ્ણો દેવી ભવન તરફ જતો રસ્તો ભક્તોથી ભરેલો છે. ભીડ એવી છે કે જ્યાં સુધી આંખ દેખાય છે ત્યાં સુધી માત્ર લોકો જ દેખાય છે. અહીં પગ મુકવાની પણ જગ્યા નથી. વીડિયોમાં કેટલાક લોકો ટીન શેડના પોલ પર ઉભા પણ જોવા મળે છે.

એક અન્ય ટ્વીર યુઝર શેખ સાબીરે શેર કરેલા વીડિયોમાં પણ આવા જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો અકસ્માત પછીનો છે કે પહેલાનો. વાયરલ ક્લિપમાં વૈષ્ણો દેવી ભવન તરફ જતા રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. કેટલાક લોકો બહાર આવતા જોવા મળે છે, જ્યારે કેટલાક થાંભલા પર ચઢીને આગળના રસ્તાનું નિરીક્ષણ કરતા જોવા મળે છે. ભક્તોની આટલી ભીડ જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અન્ય એક ટ્વિટર યુઝર ચંદન કે વર્માએ વીડિયો શેર કર્યો અને દાવો કર્યો કે તે પણ ઘટના સમયે માતા વૈષ્ણોદેવ ભવન પાસે હાજર હતો. ચંદને કેપ્શનમાં લખ્યું, ‘બાલ-બાલ બચે હમ લોગ’. આ વીડિયો એક ભક્તે પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો છે, જેમાં મહિલાઓ, બાળકો અને પુરુષોની ભારે ભીડ જોઈ શકાય છે. આ વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે આખો રસ્તો માત્ર લોકોથી ભરેલો હતો.

અજય જંદયાલે ટ્વિટર પર પોસ્ટ કરેલો વિડિયો દુર્ઘટના પછીનો છે, જ્યારે બચાવકર્મીઓ ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. ક્લિપમાં જોઈ શકાય છે કે દર્શન માટે રાહ જોઈ રહેલા ભક્તોને રસ્તાની બંને બાજુ બેસાડવામાં આવ્યા અને ઈજાગ્રસ્તોને વચ્ચેથી લાવવામાં આવ્યા. પોલીસની સાથે સ્થાનિક લોકોએ પણ રાહત કાર્યમાં ઘાયલોને મદદ કરી હતી. જણાવી દઈએ કે નવા વર્ષ નિમિત્તે હજારો ભક્તો માતા વૈષ્ણો દેવીના દર્શન માટે પહોંચ્યા હતા.

Shah Jina