ATM લૂંટી રહ્યા હતા ચોર, સેકેન્ડોમાં જ પહોંચી પોલીસ, પણ થયું એવું કે રોડ પર ઉડ્યા ઢગલાબંધ રૂપિયા, લોકો બોલ્યા..”આ તો કોઈ ફિલ્મનો સીન…”

ચોર ATMમાંથી ચોરી કરીને ભાગવાના જ હતા ત્યાં આવી ગઈ પોલીસ અને પછી સર્જાયા એવા દૃશ્યો કે જોઈને પોલીસની કામગીરીને સલામ કરશો.. વાયરલ થયો વીડિયો

દેશભરમાં ચોરીની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર આવી ચોરીની ઘટનાઓ આસપાસના સીસીટીવી ફુટેજમાં પણ કેદ થઇ જતી હોય છે અને પછી તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ચોરીનો વીડિયો સામે આવ્યો છે જેમાં આખો વીડિયો જાણે કોઈ ફિલ્મના સીનનો હોય તેમ લાગી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો તેલંગાણાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં ગેસ કટરની મદદથી ચોર એટીએમ મશીન કાપીને પૈસા લઈ જવામાં સફળ થવાના હતા, પરંતુ તે પછી પોલીસ પહોંચી ગઈ. પોલીસે ચોરોને તેમની કાર સાથે ટક્કર મારીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નોટો રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી.

વાયરલ થયેલા વિડિયોમાં જોવા મળે છે કે ચોર એટીએમ મશીનમાંથી પૈસા લાવીને એક કારમાં રાખી રહ્યા છે, કાર રસ્તા પર ઉભી છે, પરંતુ આ દરમિયાન એક પોલીસની જિપ્સી તેજ ગતિએ આવી પહોંચી છે. પોલીસ જિપ્સીને જોઈને ચોરો ભાગવાનો પ્રયાસ કરે છે, પછી પોલીસ તેમની કારને ટક્કર મારે છે. પોલીસે જણાવ્યું હતું કે અથડામણને કારણે રોકડ ભરેલા ત્રણ બોક્સ બહાર પડ્યા હતા અને ચોથા બોક્સમાં રોકડ પડી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ATM સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું છે. પોલીસની સતર્કતાને કારણે લગભગ 19 લાખ રૂપિયાની ચોરી અટકી હતી. જોકે હજુ સુધી ચોરોને પકડવાના બાકી છે. પોલીસ ટીમ દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અધિકારીઓને શંકા છે કે ચોર યુપી અથવા હરિયાણાના હોઈ શકે છે.  આ વાયરલ વીડિયો જોયા પછી, લોકોએ પોલીસની તૈયારીના વખાણ કર્યા છે. ઉપરાંત, ઘણા વપરાશકર્તાઓ કહે છે કે આ ઘટના સંપૂર્ણપણે ફિલ્મી જેવી લાગી.

Niraj Patel