રાજકોટ સિવિલમાં લોહી ચઢાવવામાં એક ભૂલ કરી અને વિધિ પરમાર મૃત્યુ પામી, શરીર પર ચકામા પડ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. રાજકોટની સિવિલ થેલેસેમિક બાળકો માટે રીએકશન સેન્ટર બની છે. સિવિલ હોસ્પિટલમાં તબીબોએ એવી ભૂલ કરી એક નિર્દોષ યુવતિ મોતને ભેટી. વિધિ પરમાર નામની યુવતીને સોમવારે વહેલી સવારે બ્લડ ચડાવવા દરમિયાન LRના બદલે Rcc લોહી ચડાવતા રીએકશન આવ્યુ અને તેના કારણે તેને મોત થયુ હતુ. લોહી ચડાવવા દરમિયાન પરિવારજનોને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે લોહી ચડાવ્યા બાદ વિધિને રિએક્શન આવતા તેનું મોત થયુ હતુ.
પરિવારનો આરોપ છે કે, તેમની થેલેસમિયાગ્રસ્ત દીકરીનું લોહી ચડાવ્યા બાદ રિએક્શન આવ્યું અને તેને કારણે તેનું મોત થયુ. થેલેસેમિયાગ્રસ્ત લોકોને LR લોહી ચડાવવાનું હોય છે, પરંતુ હોસ્પિટલ દ્વારા RCC બ્લડ ફિલ્ટર વગર ચડાવાતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. થેલેસમિયાગ્રસ્ત યુવતિને લોહી ચડાવ્યા બાદ મોત થતાં પરિવારજનોનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો છે. યુવતીના પિતાએ કહ્યું કે, તેમને હોસ્પિટલમાંથી 3 બોટલ લોહી આપ્યુ જે ચઢાવ્યુ અને પછી તેમની દીકરી વિધિના શરીર પર ચકામા પડ્યા.
પહેલા તો તેમને આ વાત સામાન્ય લાગી પણ સાંજ સુધીમાં તો આખા શરીર પર ચાંદા પડવા લાગ્યા. ડોક્ટરે કહ્યુ કે આ રિએક્શન છે. અમે આટલા સમયથી લોહી ચઢાવતા હતા, પરંતું દીકરીને આટલી હદે ક્યારેય રિએક્શન આવ્યુ નહોતુ. મૃતકની માતાએ જણાવ્યુ કે, તેમની દીકરીને લોહી ચઢાવ્યા પછી શરીરે સોજા પણ આવ્યા હતા. આ હોસ્પિટલની બેદરકારી છે કે દીકરીને આટલી તકલીફ હતી અને તેમ છતાં તેઓ સર્જિકલને બતાવી આવો તેવી વાત કરતા હતા. સર્જિકલમાં બતાવ્યુ, તો કહે કે એક્સ-રે પડાવો, સોનોગ્રાફી કરાવો. મારી દીકરી ચાલી શક્તી ન હતી, છતાં ત્રણ માળ ચઢીને ઉપર ગયા.
અમે બહુ રિકવેસ્ટ કરી તેના બાદ તેની સોનોગ્રાફી કરાવી. વળી પાછુ સર્જિકલમાં પણ બપોરે બે વાગ્યા અમને બેસાડી રાખ્યા હતા અને પછી રિપોર્ટ જોવામાં પણ વાર કરી. ડોક્ટર ન આવ્યા અને ફોનમાં રિપોર્ટ મોકલ્યા તો પણ જોવામાં વાર કરી. તેમનું કહેવુ છે કે, જવાબદાર લોકો સામે કડક પગલા લેવામાં આવે. જણાવી દઇએ કે, LR બ્લડ જો ચઢાવવામાં આવે તો દર્દીને રિએક્શન નથી આવતુ અને બ્લડ બેંકના નિયમ પ્રમાણે થેલેસેમિક બાળકો જે પણ હોય તેમને LR બ્લડ જ ચડાવવું જોઈએ. પણ રાજકોટ સિવિલ હોસ્પિટલે આરસીસી બ્લડ ચડાવીને નિયમનો ભંગ કર્યો અને મશીન ન હોવાથી રાજકોટ સિવિલમાં દર્દીઓને RCC બ્લડ ચડાવવામાં આવતુ હોવાનું પણ મીડિયા અહેવાલો પ્રમાણે સામે આવ્યુ છે.