દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે એવા થાઈલેન્ડથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, સ્પેનની એક 22 વર્ષની યુવતી મિત્ર સાથે મોજ મસ્તી કરવા થાઈલેન્ડ ગઇ હતી. બ્લૈંકા ઓજંગુરેન ગાર્સિયા નામની યુવતી મિત્ર સાથે સાઉથ વેસ્ટર્ન થાઈલેન્ડ પહોંચી હતી. જ્યાં હાથીને સ્નાન કરાવતી વખતે હાથીએ તેના પર હુમલો કર્યો. જેના કારણે તેનું મોત થયું.
એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર, બ્લૈંકા સામાન્ય પ્રવાસીઓની જેમ દક્ષિણ-પશ્ચિમ થાઈલેન્ડ સ્થિત ‘કોહ યાઓ એલિફન્ટ કેર સેન્ટર’ પહોંચી હતી. તે હાથીઓ સાથે સમય પસાર કરવા ગઈ હતી. ગાર્સિયા ત્યાં હાથીને સ્નાન કરાવતી હતી અને તે દરમિયાન જ હાથીએ તેના દાંત વડે ગાર્સિયા પર હુમલો કર્યો.
આ હુમલાથી ગાર્સિયા ખરાબ રીતે ઘાયલ થઇ અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી. કથિત રીતે આ ઘટના સમયે તેની સાથે તેનો બોયફ્રેન્ડ પણ હાજર હતો. જો કે, આ અકસ્માતમાં તેના બોયફ્રેન્ડને ઈજા થઈ હોવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઘણા નિષ્ણાતોના મતે, હાથીએ તણાવને કારણે ગાર્સિયા પર હુમલો કર્યો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તણાવ પ્રવાસીઓની વધતી જતી ભીડને કારણે હોઈ શકે છે. અહેવાલો અનુસાર, ગાર્સિયા ઉત્તર પશ્ચિમ સ્પેનના વેલાડોલિડ શહેરની રહેવાસી હતી. ગાર્સિયા સ્પેનના પૈમ્પ્લોનામાં યુનિવર્સિટી ઓફ નવરામાં અભ્યાસ કરતી હતી. તે પાંચમા વર્ષની વિદ્યાર્થીની હતી. તે કાયદા અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કરતી હતી. તેણે તાજેતરમાં યુનિવર્સિટી એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ હેઠળ જ તે તાઈવાનની એક યુનિવર્સિટીમાં પહોંચી હતી.
જણાવી દઇએ કે, થાઈલેન્ડમાં હાથીઓની વસ્તી ઘણી વધારે છે. હાથીઓ ત્યાં આવતા પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. થાઈલેન્ડમાં એલિફન્ટ શોનું પણ મોટી સંખ્યામાં આયોજન કરવામાં આવે છે. થાઈલેન્ડમાં છેલ્લા 12 વર્ષમાં જંગલી હાથીઓના હુમલાને કારણે 227 લોકોના મોત થયા છે. જેમાંથી ગત વર્ષે જ 39 મોત થયા હતા.