જમ્મુ કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, એક જવાન શહીદ-ચાર ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન જારી

કાશ્મીરમાં આતંકી હુમલો, 1 જવાન શહીદ-4 ઘાયલ : પુંછમાં સુરક્ષાબલોના 2 વાહનો પર થઇ ફાયરિંગ- જુઓ તસવીરો

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પુલવામા જેવો આતંકી હુમલો થયો. શનિવારે સાંજે આતંકીઓએ એરફોર્સના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા હતા અને તેમાંથી એકનું મોત થયું. એક સૈનિકની હાલત ગંભીર છે, તેની સારવાર ચાલી રહી છે જ્યારે બાકીના ત્રણ જવાનોની સ્થિતિ સ્થિર છે. હુમલા બાદ સુરક્ષાદળોએ મોટાપાયે સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું છે, કેટલાક આતંકીઓની ધરપકડ કરી છે તેને શોધવા માટે જંગલમાં ટીમો તૈનાત કરવામાં આવી છે.

આતંકવાદીઓએ સુરનકોટના સનાઈ ગામમાં આ હુમલો ભારતીય વાયુસેનાના કાફલા પર કર્યો હતો. જો કે ઘટના સ્થળે ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે. રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતુ. ત્યાં વાયુસેનાના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે. ઘટના સ્થળે ભારતીય વાયુસેનાના ગરુડ સ્પેશિયલ ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે.

સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો આ ઘટનામાં સામેલ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશનમાં લાગેલા છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં 5 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક જવાન શહીદ થયા હતા.

જણાવી દઈએ કે એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલાની તસવીરો પણ સામે આવી છે. જેમાં વાહન પર બુલેટના નિશાન સ્પષ્ટ દેખાય છે. સુરનકોટમાં 21 ડિસેમ્બરે સેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 5 જવાન શહીદ થયા હતા. આ ઘટનાને 4 આતંકીઓએ અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ અમેરિકન એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલથી સ્ટીલ બુલેટ ફાયર કર્યુ હતુ.

આ સ્ટીલ બુલેટ સેનાના વાહનની મોટી લોખંડની ચાદર પાર કરી જવાનોને વાગી હતી. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પર હુમલાની જગ્યાની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં M-4 રાઇફલનો ઉપયોગ કરવાનો દાવો કર્યો હતો. આ વર્ષે 12 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. આ પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરવી પડી. જો કે, કોઈના ઘાયલ કે મોતના સમાચાર નથી.

Shah Jina