Swiggy Delivery Boy Love Story : ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઇ ગઈ છે અને આ મહિનાને પ્રેમનો મહિનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનામાં પોતાના પ્રિયજન સાથે વિતાવવાના ઘણા દિવસો પણ આવે છે અને હવે વેલેન્ટાઈન વીક પણ શરૂ થશે. ત્યારે આ દરમિયાન ઘણા લોકોની એવી કહાનીઓ સામે આવતી હોય છે જે ખુબ જ ભાવનાત્મક હોય છે. આજના સમયમાં જ્યાં પ્રેમ અને સંબંધો માત્ર સ્વાર્થના રહ્યા છે અને વેલેન્ટાઈન પર પણ દેખાડા જોવા મળે છે, ત્યારે રાજકોટના એક વ્યક્તિએ પોતાની પત્નીના છેલ્લા શ્વાસ સુધી સાથે આપીને સાચા પ્રેમનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.
કામ પર પત્નીને સાથે લઈને જતા :
રાજકોટમાં રહેતા કેતનભાઈ રાજવીરના લગ્ન વર્ષ 2007માં સોનલબેન સાથે થયા હતા. એક દિવસ સોનલબેનને અચાનક છાતીમાં દુખાવો થયો, જેના કારણે તેમને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર દ્વારા તેમની પત્નીને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું જણાવતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ કેતનભાઈએ મન મક્કમ કરીને પત્નીને સાથ આપવાનું નક્કી કર્યું અને પોતાની પત્નીને એકલી નહિ રાખવાનો નિર્ણય કર્યો. જેના બાદ તેમને પોતાના કામ પર પોતાની પત્નીને પણ સાથે લઇ જવાનું શરૂ કર્યું.
ડિપ્રેશનમાં ના આવે એ માટે લીધો નિર્ણય :
આ વાતને લઈને કેતનભાઈએ મીડિયાને જણાવ્યું કે “મેં જયારે સ્વિગીમાં ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું ત્યારે મારી પત્ની એકદમ સ્વસ્થ હતી અને તેને કોઈ બીમારી પણ નહોતી. પરંતુ 7 મહિના પહેલા જ તેને કેન્સર ડિટેકટ થતા જ તે ડિપ્રેશનમાં ના જતી રહે તે માટે તેને મેં હંમેશા મારી સાથે રાખવાનો નિર્ણય કર્યો અને મારે જ્યાં પણ ફૂડ ડિલિવરી કરવા માટે જવાનું હોય ત્યાં હું તેને મારી સાથે જ લઈ જાઉં છું. કારણ કે તે એકલા રહીને ડિપ્રેશનમાં ના આવી જાય.”
જણાવ્યું હતું કારણ :
વધુમાં કેતનભાઈએ એમ પણ જણાવ્યું કે આ રીતે પત્નીને સાથે લઇ જવાના કારણે મારા સાહેબે પણ મને પૂછ્યું હતું કે તે શા કારણે પત્નીને સાથે લઇ જાય છે. જેના બાદ તેમને મેં બધી હકીકત જણાવી હતી. તેમના સાહેબે પણ રાજકોટના લક્કી ફાઉન્ડેશનને જાણ કરી જેના બાદ લક્કી ફાઉન્ડેશન દ્વારા તેમને બધી જ મદદ કરવામાં આવી હતી.
3 મહિના પહેલા થયું નિધન :
ત્યારે કેન્સર સામે સોનલબેન છેલ્લા શ્વાસ સુધી હિંમતભેર લડતા રહ્યાં પણ કેન્સરને માત આપી શક્યા નહીં. સોનલબેનનું 3 મહિના પહેલા કેન્સરના કારણે નિધન થયું હતું, ત્યારે પત્નીને જે સ્થિતિમાં જોઈ હતી તે જોઈને આજે કેતનભાઈ બધી મહિલાઓને અપીલ કરે છે કે, 38થી 40 વર્ષની ઉંમર થાય ત્યારે દરેક મહિલાઓએ પોતાના બોડીનું ચેકઅપ કરાવવું જોઈએ. તેમને એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “કેન્સરના કોઇ લક્ષણો હોતા નથી.”
લોકોને કરી આ અપીલ :
તેમને આગળ જણાવ્યું કે ” મેં તો કેન્સરના કારણે મારી પત્ની ખોઈ છે, પણ તમે તમારા પરિવારના કોઈ સ્વજનને ન ખોવો તે માટે તમારે દર વર્ષે બોડી ચેકઅપ તો કરાવવું જ જોઈએ. વેલેન્ટાઈન ડે પર વાત કરતા કેતનભાઈએ જણાવ્યું હતું કે, મારા પત્નીએ છેલ્લી ઘડી સુધી જે પ્રેમ આપ્યો છે, તેને હું ક્યારેય નહીં ભૂલી શકું. અમે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. અમને ઘણાએ સ્વીકાર્યા ઘણાએ ન સ્વીકાર્યા, ઘણું બધું થયું પણ અમે એકબીજાનો સાથ ક્યારેય છોડ્યો નથી.આજે હું એકલો પડી ગયો છે. તમારે પણ ક્યારેય આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે તમે સમયાંતરે બોડીનું ચેકઅપ કરાવતા રહેજો.” (તસવીર સૌજન્ય : BBC ગુજરાતી)