BREAKING : યુરોપિયન દેશ સ્વીડનની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ, 10ના મોત-શૂટર પણ ઠાર મરાયો

યુરોપિયન દેશ સ્વીડનની એક સ્કૂલમાં 4 ફેબ્રુઆરીએ મોડી રાત્રે ગોળીબાર થયો હતો. શરૂઆતમાં આ હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ બાદમાં પોલીસે કહ્યું કે ગોળીબારમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલો સેન્ટ્રલ ઓરેબ્રોમાં એક એડલ્ટ એજ્યુકેશન સેન્ટરમાં થયો હતો. હુમલાખોરને પોલિસે ઠાર માર્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે. કહેવામાં આવ્યું હતું કે હુમલાખોરે ઓટોમેટિક હથિયારથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

સ્વીડનનું આ શહેર સામાન્ય રીતે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, અહીં ગોળીબાર બાદ લોકો આઘાતમાં છે. ગોળીબાર બાદ એજ્યુકેશન સેન્ટરમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ અને અન્ય અધિકારીઓએ કડક પગલાં લીધાં છે. સ્થાનિક લોકોને કેન્દ્રની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તપાસ અને સુરક્ષા સંબંધિત કામમાં દખલ ન કરો એવું પણ કહેવામાં આવ્યુ છે. આ મામલે હજુ પણ પોલિસ તપાસ ચાલી રહી છે.

સ્વીડનના ન્યાય પ્રધાને મીડિયાને જણાવ્યું હતું કે ઓરેબ્રો શહેરમાં હિંસાના અહેવાલો અત્યંત ગંભીર છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે. જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર તપાસ એજન્સીઓ સાથે સંપર્કમાં છે. સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઘટનાસ્થળે હાજર એક શાળાના વિદ્યાર્થીએ કહ્યું, મારી બાજુમાં ઉભેલા એક છોકરાને ખભામાં ગોળી વાગી હતી.

તેનું ખૂબ લોહી વહી રહ્યું હતું. જ્યારે મેં પાછળ જોયું, ત્યારે ત્રણ લોકો લોહીથી લથપથ ફ્લોર પર પડેલા હતા. બધાને આશ્ચર્ય થયું. એક માણસ “બહાર નીકળો, બહાર નીકળો” બૂમો પાડી રહ્યો હતો. મેં અને મારા મિત્રએ આ માણસનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો.ઘટનાસ્થળે પોલીસ કે એમ્બ્યુલન્સ નહોતી, તેથી અમારે પોતાની મદદ કરવી પડી. મેં મારા મિત્રની શાલ લીધી અને ઘાયલ છોકરાના ખભા પર ચુસ્તપણે બાંધી દીધી જેથી વધુ પડતું રક્તસ્ત્રાવ ન થાય.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં હુમલાખોર એજ્યુકેશન સેન્ટરમાં પ્રવેશતો જોવા મળે છે. ઓરેબ્રો શહેર કેપિટલ સ્ટોકહોમથી લગભગ 200 કિલોમીટર વેસ્ટમાં આવેલું છે. આ ઘટના ત્યારે બની જ્યારે એજ્યુકેશન સેન્ટરમાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. એજ્યુકેશન સેન્ટરનું નામ રિસબર્ગસ્કા સ્કૂલ છે.

Shah Jina