સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત, કાર ડમ્પર પાછળ ઘુસી જતા 3 લોકોના મોત- અકસ્માતની તસવીરો જોઇ ફફડી ઉઠશો

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ખબર સામે આવે છે, ત્યારે હાલમાં સુરેન્દ્રનગરમાંથી વધુ એક ખબર સામે આવી. મૂળી-સરલા રોડ પર એક કાર કોલસા ભરેલ ડમ્પર પાછળ ઘૂસી ગઈ અને આને કારણે ભયંકર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટ્યા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી અને એક બાળકનો આબાદ બચાવ થયો.

ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં કારનો બોલાયો બૂકડો

અકસ્માતના દ્રશ્યો પણ વિચલિત કરી દેનારા છે, કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી જતા કારનો કચ્ચણઘાણ વળી ગયો હતો. જે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 5-6 વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો છે.

રિફલેકટર લાઈટ ન હોવાને કારણે કાર ઘૂસી ગઈ

પ્રાપ્ત વિગત અનુસાર, ડમ્પર પાછળ રિફલેકટર લાઈટ ન હોવાને કારણે પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી અને આ કારમાં સવાર ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. મૃતકો મોરબીના વાંકાનેરના લાકડદાના રહેવાસી હતા. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલીક દોડી આવી હતી.

ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો

પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ માટે મોકલી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે હજુ તો ગઈકાલે જ લીંબડી પાસે ઉપલેટાના ભાજપના ધારાસભ્યની ગાડીનો અકસ્માત થયો હતો અને આમાં ધારાસભ્યને ઈજા પણ પહોંચી હતી.

Shah Jina