સુરત : કાતિલ દોરીથી ગળું કપાઇ જતા 22 વર્ષીય યુવતિનું મોત, પરિવારમાં માતમ

22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનો કાતિલ દોરીએ જીવ લીધો, એક્ટિવા લઈને જઈ રહેલી યુવતીના ગળામાં દોરી આવી જતાં નીચે પટકાઈ; સારવાર મળે એ પહેલાં જ મોત

ઉત્તરાયણ આવી ગઇ છે અને બસ હવે એક જ દિવસ ગણતરીનો બાકી રહ્યો છે, ત્યાં ગુજરાત સહિત સુરતમાં પણ વિવિધ વિસ્તારમાં પતંગની રામાયણ શરૂ થઈ ગઇ છે. જો કે, ઉત્તરાયણ પહેલા એક દુખદ સમાચાર સુરતમાંથી સામે આવ્યા. બુધવારના રોજ સાંજે મોપેડ લઇ બ્રિજ પરથી જઈ રહેલી યુવતીના ગળામાં પતંગની દોરી ફસાતા તેનું ગળું કપાઈ ગયુ હતુ અને તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

દોરીથી ગળું કપાઇ જતા યુવતિનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા વરાછા વિસ્તારમાં ગોકુલ ધામ ખાતે અમૃત રેસિડેન્સીમાં રહેતી 22 વર્ષિય દિક્ષીતા ઠુમ્મર બુધવારે સાંજે મોપેડ પર નોકરીએથી ઘરે જઇ રહી હતી ત્યારે નાના વરાછા ફલાયઓવર બ્રિજ ઉતરતા અચાનક પતંગની કાતિલ દોરી તેના ગળમાં ફસાઇ ગઇ અને તેનું ગળું કપાઈ ગયુ.

પરિવારમાં શોકનું મોજું

આને કારણે તે લોહીલુહાણ થઇ ગઇ હતી અને તે બાદ તેને 108 એમ્બ્યુલેન્સમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ ફેલાયો હતો. જણાવી દઇએ કે, દિક્ષીતા મુળ અમરેલીનાં સાંવરકુંડલાની વતની હતી, તેને એક ભાઇ અને એક બહેન છે.

હર્ષ સંઘવીની લોકોને અપીલ

પરિવારને મદદરૃપ થવા તે જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં જે ઘટના બની તે અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મહત્વની વાત કહેવામાં આવી અને તેમણે ચાઈનિઝ દોરીના ઉપયોગ અને તે અંગેની ફરિયાદ કરવાની પણ રજૂઆત કરી.

Shah Jina