કોણ કહે છે કે કુસ્તી પંજાબ અને હરિયાણાની જ છોકરીઓ લડી શકે ? જોઈ લો એક વાર સુરતની આ ત્રણ દંગલ બહેનોને, જેને નેશનલ લેવલે નામ કર્યું રોશન

આજના સમયમાં દીકરા અને દીકરી વચ્ચે કોઈ અંતર જોવા નથી મળતું, આજની દીકરીઓ દીકરાઓ કરતા પણ બે કદમ આગળ નીકળી છે અને દેશમાં જ નહિ દુનિયામાં પણ પોતાનું અને પરિવારનું નામ રોશન કરી રહી છે, ત્યારે સુરતની ત્રણ દીકરીઓ કુસ્તીની અંદર નેશનલ લેવલ ઝળકી છે.

કુસ્તીની રમત મુખ્યત્વે હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં રમાતી વધુ જોવા મળે છે, ત્યારે સુરતની આ ત્રણ દીકરીઓએ કુસ્તીમાં નામ રોશન કરી અને ગુજરાતને પણ ગર્વ અપાવ્યું છે. આ ત્રણ દીકરીઓના પિતા  રામલખન રાયકવાર ચાની લારી ચલાવે છે અને તેઓ ઉધના વિસ્તારમાં શિવ સાંઈનગર સોસાયટીમાં રહે છે.

ત્યારે તેમની ત્રણ દીકરીઓ નીલમ, સોનુ અને મોનુએ તાજેતરમાં યુપીના અમેઠીમાં રમાયેલી નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નીલમે નેશનલ સ્પર્ધામાં ચોથો ક્રમ મેળવ્યો હતો.પરિવારની બે દીકરી સોનુ અને મોનુ બંને ટ્વીન્સ છે. તેઓ કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે.

સોનુએ ખેલ મહાકુંભમાં 2019માં પાટણમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને સિનિયર રેસલિંગ ચેમ્પિયનશીપમાં પણ સિલ્વર મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ ખોખરા સ્પોટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત જુનિયર રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

તે જ પ્રમાણે મોનુએ પણ સ્ટેટ ઈન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને હરિયાણા ભવાનીમાં આયોજિત નેશનલ ઈન્ટરકોલેજમાં સિલેક્ટ થઈ હતી. નિલમે જણાવ્યું હતું કે દેવગઢ બારિયામાં આયોજિત ગુજરાત સ્ટેટ રેસલિંગ સ્પર્ધામાં અંડર-23 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વિરોધી ખેલાડી અને કોચે ફરિયાદ કરી હતી, તેથી ફરીથી મેચ રમાડવામાં આવી હતી. તેમાં પણ નિલમ ચેમ્પિયન થતા હરીફ ખેલાડીએ અંતે હાર માની હતી.

જીતનાર નીલમ છેલ્લા ચાર વર્ષથી કુસ્તી રમે છે. તેણે ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. પાવરલિફ્ટિંગમાં પણ તે સ્ટેટ ચેમ્પિયન રહી ચુકી છે. આ ત્રણેય દીકરીઓના પિતા ચા-નાસ્તાની લારી ચલાવે છે. પરંતુ કુસ્તી માટે દીકરીઓનો આવો ઉત્સાહ જોતા તેઓની પણ છાતી ગજ ગજ ફૂલી જાય છે. તેઓ હજી ઈચ્છે છે કે તેમની દીકરીઓ આ ક્ષેત્રમાં આગળ વધે અને પરિવારનું નામ તેમજ શહેરનું નામ રોશન કરે.

Niraj Patel