સુરત શહેરમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી જવાનો કિસ્સો હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટના બાદ શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે. શિક્ષિકા અને વિદ્યાર્થી બંને ગાયબ થઈ ગયા હતા. બે દિવસ અગાઉ સુરતના પુણા વિસ્તારમાં રહેતા બે અલગ પરિવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 11 વર્ષના કિશોરના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો પુત્ર ગુમ થઈ ગયો છે.
તે 25 એપ્રિલના રોજ બહાર રમવા ગયો હતો અને ત્યારબાદ ઘરે પરત ફર્યો ન હતો. તેનું અપહરણ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સુરત પોલીસે આ મામલે તપાસ આદરી હતી. સીસીટીવી ફૂટેજ તપાસતાં બાળક તેની શાળાની 23 વર્ષની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો, જે તેને ટ્યુશન પણ ભણાવતી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બંને છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જતાં દેખાયાં હતાં. શિક્ષિકાએ રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને ત્યારબાદ તે કિશોરને લઈને ટ્રેનમાં રવાના થઈ ગઈ હતી. આ ઘટના પછી બંને પરિવારના સભ્યો શિક્ષિકા અને કિશોરની શોધખોળ કરી રહ્યા હતા.
ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે આવેલ શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે. હવે બંનેને પુણા પોલીસ સુરત લાવવા રવાના થઈ છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને કંટાળી ગયા હોવાથી ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. તેથી બંને જણા પરિવારજનોને જાણ કર્યા વિના ફરવા નીકળી ગયા હતા. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સંબંધ છે કે કેમ તે અંગેનો સવાલ ઉઠ્યો છે.
પુણા પોલીસ હાલમાં બંનેની પૂછપરછ કરી રહી છે.
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે શિક્ષિકાએ મેક માય ટ્રીપ પરથી ઓનલાઈન પ્રવાસનું પેકેજ બુક કરાવ્યું હતું. શિક્ષિકા ઘરેથી કપડાં ભરેલી બેગ લઈને નીકળી હતી, પરંતુ બાળક પાસે કોઈપણ પ્રકારનો સામાન દેખાતો નહોતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઈને જતી જોવા મળી હતી અને બીજા દિવસે તે બાળકને પણ સાથે લઈ ગઈ હતી.