હ્રદય કંપાવી દે તેવા સુરત તક્ષશિલા અગ્નિકાંડના આરોપી બિલ્ડર વેકરિયાને હાઇકોર્ટે આપ્યા જામીન, આટલા લાખ રૂપિયાનુ વળતર આપવાનો કર્યો હુકમ

છેલ્લા લગભગ અઢી વર્ષથી સરથાણાના તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં જેલમાં રહેલ આરોપી બિલ્ડર હરસુખ વેકરિયાને ગુુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે અને આ સાથે સાથે હાઇકોર્ટે ચાર મહિનામાં વાલીઓને 35 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. અઢી વર્ષે વેકરિયા જામીન પર મુક્ત થયો છે. આ સમગ્ર કેસમાં જે 14 આરોપીઓ હતા તે પૈકી 12ને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. જેલમાં ટયૂશન ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરિયા છે.

હરસુખ વેકરિયાને હાઇકોર્ટે 4 મહિનામાં 35 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ કર્યો છે. 26મે 2019ના રોજથી આરોપીઓ જેલમાં જ હતા. ઉલ્લેખનીય છે કે સરથાણા તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા અને તે બાદ પોલિસે આ મામલે ગુનો નોંધ્યો હતો અને 14 આરોપીઓની ધરપકડ કરી હતી. આ 14 આરોપીઓ પૈકી હવે 12ને જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે હવે હરસુખ વેકરિયાએ 4 મહીનાના ગાળામાં જ 35 લાખ રૂપિયા જમા કરાવવાના છે.

તક્ષશિલા કેસની ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે બે દિવસ પહેલા બે પંચોની ઉલટ સરતપાસ લેવામાં આવી ત્યારબાદ જે મૂળ ફરિયાદી છે તે એડવોકેટ પિયુષ માંગુકિયાએ બંને પંચની ફેર તપાસની માંગ કરી હતી, જેના પરનો હુકમ હવે 1 જાન્યુઆરીના રોજ આવશે. જણાવી દઇએ કે, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં 24 મે 2019ના રોજ આગ લાગી હતી અને તેમાં 22 માસૂમ અને નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ તો બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને પણ પોતાનો જીવ બચાવ્યો હતો.

ગુજરાતને અને દેશને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની ઘટના 24 મે વર્ષ 2019 સાંજના 4 કલાક આસપાસ બની હતી. આ ઘટનાના દ્રશ્યો જોઈને લોકોની આંખમાં આસું આવી ગયા હતા. એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 22 જેટલા માસુમો આગની ચપેટમાં આવી ગયા હતા.

Shah Jina