સુરતમાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, વાલીઓમાં રોષ
ગુજરાતમાંથી કેટલીકવાર સ્કૂલોના વિવાદ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં સુરતનાં કામરેજમાં હલધરૂની ક્રિષ્ના સ્કૂલ વિવાદમાં આવી છે. શાળાના આચાર્ય દ્વારા ધોરણ-3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યો હોવાને કારણે વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. વિદ્યાર્થી સ્કૂલમાં આઈકાર્ડ પહેરીને નહોતો આવ્યો અને આની જ સજાના ભાગરૂપે આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
જો કે, વિદ્યાર્થીને જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો, તે બાદ વાલી શાળાએ પહોંચ્યા હતા. આ ઉપરાંત આચાર્ય વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ અપાઇ હતી. આ મામલે વિદ્યાર્થીનાં પિતાએ જણાવ્યું કે, તેમના બે બાળકો ક્રિષ્ના સ્કૂલમાં ભણે છે. 10 તારીખના રોજ પ્રિન્સિપાલે બંને બાળકને પગે ફટકાથી માર્યા, જેને કારણે પગ સુઝી ગયા.
જો કે, એક બાળકને ખૂબ જ માર મારવામાં આવ્યો અને આનું કારણ હતુ આઇકાર્ડ વગર પહોંચવું, તેમણે આગળ જણાવ્યુ કે જો પ્રિન્સિપાલે તેમને જાણ કરી હોત તો તેઓ આઈકાર્ડ આપી જાત પણ આ બાબતે જાણ ન કરવામાં આવી અને બાળકને માર મારવામાં આવ્યો. આ મામલે યુવકની માતાએ જણાવ્યું કે, શાળાના પ્રિન્સિપાલ કાંતિભાઈ પટેલ દ્વારા બાળકોને દંડાથી માર મરાયો હતો.
આઈકાર્ડને લઈ છોકરાને માર માર્યો હતો અને આવું ન થવું જોઈએ. આજે મારા બાળક સાથે આવુ થયું છે કાલે બીજા કોઈનાં બાળક સાથે થઇ શકે છે. શાળાનાં આચાર્યએ જણાવ્યું કે, બીજા દિવસથી જ બધા બાળકો સીધા થઈ ગયા હતા, ફાયદો થયો કે ન થયો.