સુરતમાં નિમેષ આહિરે 14 બોલમાં ફટકાર્યા હતા 42 રન, ઢળી પડ્યો, પ્રાણપંખેરું ઊડી ગયું- જુઓ તસવીરો
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોત થવાના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અને સુરતમાંથી છેલ્લા કેટલાક સમયમાં ક્રિકેટ, ફૂટબોલ રમતા કે અન્ય કોઇ પ્રવૃત્તિ કરતા હાર્ટ એટેક આવવાને કારણે મોત થયાના ઘણા મામલા સામે આવ્યો છે. ત્યારે હાલમાં વધુ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે.
જેમાં ઓલપાડના નરથાણ ગામે ક્રિકેટ રમતી વખતે નિમેષ આહિર નામના યુવકનું બેભાન થઈને ઢળી પડ્યા બાદ મોત નિપજ્યું છે. નિમેષ આહિર ફિલ્ડિંગ ભરતી વખતે અચાનક બેભાન થઇ ગયો અને તેને સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે ક્રિકેટ રમતી વખતે એકાએક બેભાન થઈ જવા પાછળનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.
ફિલ્ડિંગ કરતા પહેલા તેણે બેટિંગ કરી હતી અને 14 બોલમાં 42 રન પણ ફટકાર્યા હતા. ત્યારે હવે યુવકના મોતથી પરિવાર સહિત આહિર સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. હાલમાં તો યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. મૃતકના સંબંધી અનુસાર, મૃતકની તબિયત સારી હતી અને તે ફિટ પણ હતો.
પણ એકાએક ક્રિકેટ રમતી વખતે છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઘરે આવ્યા હતા, અને થોડીવાર રહીને લીંબુ શરબત પીધું પણ તે બાદ તેમને ફરીથી એટેક આવ્યો અને તેમનું મોત નીપજ્યું. મૃતક મિનરલ વોટર અને પાણીના ટેન્કરના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પહેલા જ સેલુત ગામે કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત નિપજ્યું હતું.