સુરતમાં 13-13 દિવસથી ગુમ થયેલા જે દીકરાને શોધવા પરિવારે આકાશ પાતાળ એક કર્યું હતું, તેની લાશ પાણીની ટાંકીમાંથી મળી

કોરોના વાયરસ અને તેના કારણે લાગેલા લોકોડાઉનના કારણે ઘણા લોકોનું જીવન બરબાદ થઇ ગયું, ઘણા લોકો આર્થિક સંકળામણમાં મુકાઈ ગયા અને ઘણા લોકોએ આ આર્થિક સંકળામણમાંથી છુટકારો મેળવવા માટે આપઘાત પણ કરી લીધા હોવાની ઘણી ઘટનાઓ સમાચાર અને સોશિયલ મીડિયામાં જોવા મળી છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાંથી 13 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની લાશ પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેના બાદ ખુબ જ મહેનત કરી અને યુવકની લાશને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. ત્યારે આ બાબતે પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનો કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બાબતે પ્રાપ્ત થતી વધુ માહિતી અનુસાર મઢી ગામમાં રહેતા 44 વર્ષીય યુવક રાજુભાઈ ભગવાનદાસ બોધાણી મોબાઈલ રિપેરિંગનો ધંધો કરી જીવન ગુજરાન ચલાવતાં હતાં. રાજુભાઈ છેલ્લા ઘણા દિવસથી માનસિક તાણમાં હોય જેથી તેઓ 5મી સપ્ટેમ્બરના રોજ ઘરે કોઈને કંઈ પણ કહ્યા વાગર ચાલ્યા ગયા હતાં. જેના બાદ તેના પરિવારજનો અને ઓળખીતા લોકોએ રાજુભાઈની તપાસ હાથ ધરી હતી પરંતુ તેમનો ક્યાંય પણ પત્તો લાગ્યો નહોતો. જેના બાદ તેમને પોલીસમાં તેના ગુમ થવા અંગેની જાણ કરી હતી.

પરંતુ રાજુભાઈના ગુમ થયાના 13 દિવસ બાદ તેમની લાશ તેમની દુકાનની છત ઉપર રહેલા પાણીના ટાંકામાંથી મળી આવી હતી. તેની જાણ પણ ત્યારે થઇ જયારે તેમનો દુકાન પાડોશીએ કોઈ કામ માટે કડિયાને બોલાવ્યો હતો, જેના બાદ કડિયો ટેરેસ ઉપર જતા તેને ત્યાં કોઈ અજીબ દુર્ગન્ધ આવી હતી, જેથી ટાંકી પાસે જતા ખોલીને જોયું તો રાજુભાઈ જે દિવસે ગુમ થયા હતા અને જે કપડાં પહેર્યા હતા તે જોવા મળ્યા અને પછી ટાંકી કાપતા તેમની લાશ અંદરથી મળી આવી હતી.

Niraj Patel