સુરતમાં પતિ પત્ની વેકેશન મનાવવા નીકળતા હતા ત્યાં બાઈક ઉપરથી પડી કપડાંની બેગ, લેવા જતા કાળ બનીને આવી કાર, પત્નીનું દર્દનાક મોત

હાલ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ઘણા લોકો ખરીદીમાં વ્યસ્ત છે તો ઘણા લોકો બહાર ફરવા જવાના આયોજનો પણ બનાવી રહ્યા છે, ત્યારે હાલ સુરતમાં એક પરિવાર માટે આ દિવાળીની ઉજવણી માતમમાં ફરી વળી છે. સુરતના પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી કપડાંની બેગ લેવા ગયેલી પત્નીને કારે અડફેટે લેતા મોતને ભેટી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વિમલ અને તેની પત્ની સોનલ મુંબઈ ફરવા જવા માટે નીકળ્યા હતા. તે બાઈક લઈને રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફલાઇંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું. ત્યારે જ કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી જતા સોનલ લેવા માટે ગઈ હતી.

બરાબર આજ સમયે કોઈ ફોર વ્હીલ કારનો ચાલક આંખના પલકારે જ સોનલને અડફેટે લઈ હવામાં ફંગોળી નાસી ગયો હતો. સોનલ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. તેને તત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી, જેના બાદ પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વાળ્યો હતો.

સોનલ અને વિમલના લગ્ન 5 વર્ષ પહેલા જ થયા હતા. આ બંનેના પ્રેમ લગ્ન હતા. તેમને કોઈ સંતાન નહોતું. સોનલના હાથ ઉપર દાણા નીકળ્યા હતા, અને બીજી તરફ દિવાળીનું વેકેશન હોય વિમલ અને સોનલે મુંબઈ ડોક્ટરને બતાવવા સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તેમની આ ખુશી માતમમાં ફરી વળી હતી. આ બાબતે પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Niraj Patel