ખબર

સુરતના સરકારી આવાસમાં પરિવાર માણી રહ્યો હતો શાંતિની ઊંઘ, અચાનક મકાન થયું ધરાશય અને આખો પરિવાર દબાયો

ચોમાસાનો સમય છે અને વરસાદના કારણે ઘણી જગ્યાએ રોડ રસ્તા ઉપર ભુવા પડી જવાની અને મકાનની દીવાલો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક ઘટના સામે આવી છે જેમાં એક દીવાલ ધરાશયી થવાના કારણે બે સરકારી આવાસ તૂટી પડ્યા હતા જેમાં ઘરની અંદર શાંતિની ઊંઘ માણી રહેલો પરિવાર દટાઈ ગયો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. દીવાલ ધરાશાયી થતાં બાજુનાં અન્ય બે આવાસ પણ તૂટી પડ્યાં હતાં. આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકો મકાનના કાટમાળ નીચે દટાયા હતા અને એક બાળકીનું મોત નીપજ્યું હતું. ચાર ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટનાને પગલે બુમાબુમ થતા સ્થાનિકો દોડીને આવ્યા અને ભારે જહેમત બાદ દીવાલ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી હતી. 108 પહોંચે એ પહેલાં જ લોકોએ ત્રણેક જણને કાટમાળમાંથી બહાર કાઢીને સાયણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યાં સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.

આ દુર્ઘટનામાં મકાન ધરાશયી થવાના કારણે કાટમાળ નીચે દબાયેલા લોકોને સમયસર સારવાર મળી જતા તે લોકોનો જીવ બચી ગયો હતો. પરંતુ ગંભીર ઈજાના કારણે બે વર્ષની પાયલ નામની બાળકીનું મોત નિપજતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.