સુરતની આ દીકરી માત્ર 19 વર્ષની ઉંમરમાં બની દેશની સૌથી નાની કોમર્શિયલ પાયલોટ, જુઓ કેવી રીતે હાંસલ કર્યું લક્ષ

દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમના સંતાનો તેમનું અને પરિવારનું નામ રોશન કરે. પહેલા આ આશાઓ દીકરાઓ પાસે રાખવામાં આવતી હતી, પરંતુ હવેબે દેશની દીકરીઓ પણ આ હરોળમાં આગળ આવી ગઈ છે. દેશની દીકરીઓ ના માત્ર તેમના માતા પિતાનું જ પરંતુ દેશનું પણ નામ રોશન કરે છે.

આવી જ એક દેશની દીકરી જે માત્ર 19 વર્ષની ઉંમરમાં કોમેર્શીયલ  પાયલોટ બનીને દેશની સાથે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. આ દીકરી છે મૂળ સુરત જિલ્લાના ઓલપાડના શેરડી ગામની. તેનું નામ મૈત્રી પટેલ છે. મૈત્રીના પિતા એક સામાન્ય ખેડૂત છે. એક સામાન્ય ખેડૂતની દીકરી હોવા છતાં પણ મૈત્રીએ તેનું લક્ષ છોડ્યું નહિ અને આજે દેશનું માથું ગર્વથી ઊંચું કરી દીધું.

મૈત્રી ધોરણ-12 સુધીનો અભ્યાસ શહેરની સેવન-ડે સ્કૂલમાં કર્યા બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા ગઈ હતી. જ્યાં તેને અમેરિકાની સ્કાય ક્રિએશન ઈન્સ્ટિટ્યુમાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ મેળવી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.

પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને પાયલોટ બન્યા બાદ સુરત આવવાની સાથે જ મૈત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરિવારજનો દ્વારા તેને હરખથી વધાવી લેવામાં આવી. હવે મૈત્રીને ભારતમાં વિમાન ઉડાડવા માટે ભારતના નિયમો અનુસાર ટ્રેનિંગ સાથે અભ્યાસ કરવો પડશે. અહિંયાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તેને ભારતમાં પણ વિમાન ઉડાડવા લાઇસન્સ મળશે.

આ સફળતા મેળવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા મૈત્રીએ જણાવ્યું હતું કે, “ટ્રેનિંગમાં 10 જેટલા ભારતીય અને અન્ય દેશના હતા. સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ચલાવવા માટે 18 મહિનાની ટ્રેનિંગ હોય છે પરંતુ મેં 11 મહિનામાં જ પુરી કરી છે. ભારતમાં સૌથી વધુ મહિલા પાઈલટ છે અને મારે તેમાં જોડાવું છે. ટૂંક સમયમાં કેપ્ટન બનવાનું સપનું પણ પૂરૂ કરીશ. સુરત થી દિલ્હીની શરૂ થયેલ સૌપ્રથમ ફ્લાઈટમાં બેસતી વખતે મારા પિતાએ મને કહ્યું હતું કે તું પાયલટ બનજે અને ત્યારથી મેં તૈયારીઓ શરૂ કરી દીધી હતી.”

તેને આગળ જણાવ્યું કે, “લાયસન્સ લીધા બાદ મેં મારા પિતાને અમેરિકા બોલાવ્યા હતા અને આકાશમાં 3500 ફૂટ ઊંચાઈએ તેમને ફેરવ્યા હતા.” તો દીકરીની આ સફળતા જોઈને તેના પિતા કાંતિલાલ પટેલે કહ્યું કે, “એક ની એક દીકરી અમારે માટે ‘શ્રવણકુમાર’ છે. અમારી ઇચ્છા હતી કે તે અમને પ્લેનમાં ફેરવે અને અમારી ઈચ્છા તેણે પૂરી કરી છે. અમને તેની પર ખુબ જ ગર્વ છે.”

Niraj Patel