સુરત સચિન GIDCની એથર કંપનીમાં લાગેલી આગમાં 7 કર્મચારીઓ ભડથું, 27 દાઝ્યા

ગુજરાતમાંથી ઘણીવાર આગ લાગ્યાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે હાલમાં જ ગઇકાલના રોજ સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી. મંગળવારે મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી અને કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓની ચિચિયારીઓથી સમગ્ર વિસ્તાર પણ ગુંજી ઉઠ્યો હતો.

આગ દુર્ઘટનામાં 7 કામદારોનાં મળ્યા મૃતદેહ 

ત્યારે આ ઘટનામાં જે 7 કામદારો લાપતા થયા હતા તેમના આજરોજ કંકાલ મળી આવ્યા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે અને તેમાંથી 8થી વધુ ગંભીર દાઝી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. 70થી 100 ટકા સુધી કામદારો દાઝી જતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ઉલ્લેખનીય છે કે, એથર કંપનીમાં આગ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં લાગી હોવાનું પ્રાથમિક કારણ છે. આ મામલે સુરત પોલીસ DCPએ જણાવ્યું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા અને સાતના માનવ કંકાલ મળી આવ્યા જેમને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

અંતિમ વિધિ માટે કંપની દ્વારા આપવામાં આવશે 25-25 હજાર

એથર ઇન્ડસ્ટ્રીઝના સભ્ય કમલ તુલસીયાને જણાવ્યું કે, જેમના મૃતદેહ મળી આવ્યા છે તેમની અંતિમ વિધિ માટે કંપની દ્વારા 25-25 હજાર આપવામાં આવી રહ્યા છે. જે લોકોના મોત થયા છે તેમને કેટલું વળતર મળશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. સરકારી તંત્ર સાથે જે પણ મળવાપાત્ર રકમ છે તે આપવામાં આવશે. આ ઉપરાંત કંપની પોતાની તરફથી 5થી 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવાનો નિર્ણય કરી રહી છે.

Shah Jina