સુરતમાં વ્હાલસોયા પિતાના નિધન બાદ દીકરીએ પરીક્ષા આપી ભારે હૈયે કર્યા અંતિમ સંસ્કાર, અંગદાન કરીને મહેકાવી માનવતા

દેશભરમાં અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવી છે, ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી અંગદાનના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે, એમાં પણ સુરત અંગદાનમાં અગ્રેસર રહ્યું છે. અવાર નવાર સુરતમાંથી અંગદાનના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે હાલ પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં  બ્રેઈનડેડ પિતાના અંગોનું દાન કરાવી S.Y. B.COMની વિદ્યાર્થીની વૈદેહીએ પરીક્ષા આપ્યા બાદ, પિતાને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના A-5, પૂજન રો-હાઉસ,પંકજનગર, પાલનપુર જકાતનાકા, ભેસાણ, રાંદેર ખાતે રહેતા શીતલભાઈને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર, તા.14 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા.

માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI કરાવતા મગજને લોહી પહોંચાડતી નસો સાંકળી થઇ ગયેલ હોવાનું તેમજ મગજની અંદરની નસો ફૂલી ગયેલ અને ફૂલેલ ભાગ ફાટી ગયેલ હોવાનું નિદાન થયું હતું. જેના માટે કોઈલીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મગજની બીજી નસો પણ ફૂલી જતા મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું.

શનિવાર, તા. 16 એપ્રિલના રોજ યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલના ડોક્ટરોએ શીતલભાઈને બ્રેનડેડ જાહેર કરતા ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શીતલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શીતલભાઈના પિતરાઈ ભાઈ બંસીભાઇ ગાંધી સાથે રહી શીતલભાઈના પત્ની કામીનીબેન, પુત્રી વૈદેહી, બનેવી કિરણભાઈ, રમીલાબેન તેમજ પ્રવીણભાઈ ઓલીયાવાળા, ભદ્રેશ શેઠના, ભત્રીજા પ્રશાંત અને રત્નેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

શીતલભાઈના પત્ની કામીનીબેને જણાવ્યું કે અમે ખુબ-જ સામાન્ય પરિવારના છીએ. મારા પતિની સારવારનો ખર્ચ પણ જેમ-તેમ કરીને કર્યો છે. મારા પતિ મેડીકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. હું ઘરે સિલાઈ કામ કરીને તેઓને અમારા પરિવારના જીવન નિર્વાહમાં મદદ કરું છું. મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મોત નિશ્ચિત જ છે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે.

તેમને આગળ જણાવ્યું કે મારા પતિના અંગોના દાન થકી બીજા દર્દીઓને નવજીવન મળશે. અમને એવું લાગશે કે મારા પતિ આ દુનિયામાં જીવિત જ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે તેમના પિતરાઈ ભાઈ બંસીભાઇ ગાંધીએ પણ મને અંગદાન માટે જણાવ્યું હતું. આમ, હૃદયને ખુબ જ કઠણ કરીને ખુબ જ ભારે હૈયે શીતલભાઈના પત્ની કામીનીબેને અંગદાન માટે સંમતી આપી હતી.

શીતલભાઈના માતા-પિતા 80 વર્ષથી વધુ ઉંમરના છે, તેમની પુત્રી વૈદેહી SPB કોલેજમાં S.Y.B.COMમાં અભ્યાસ કરે છે, સાથે સાથે CAનો અભ્યાસ પણ કરી રહી છે. સોમવારે તેની S.Y.B.COMની પરીક્ષા હતી. આ પરીક્ષા આપ્યા પછી પુત્રી વૈદેહીએ ભારે હૈયે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. સલામ છે વૃદ્ધ માતા-પિતા ધનસુખભાઈ અને ઉષાબેન, શીતલભાઈની પત્ની કામીનીબેન અને પુત્રી વૈદેહીને તેમના નિર્ણય બદલ.

SOTTO દ્વારા હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પીટલને, એક કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને, બીજી કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલા લિવર અને એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી 36 વર્ષીય મહિલામાં અને વાપીની રહેવાસી 37 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 39 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરાવવામાં આવ્યું છે.

અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.ધવલ નાયક અને તેમની ટીમ હૃદય લેવા માટે સુરત આવ્યા હતા. તેઓ દ્વારા ICUમાં શીતલભાઈનો 2D ઇકો કરવામાં આવ્યો હતો અને તે નોર્મલ જણાયો હતો. પરંતુ ઓપરેશન થિયેટરમાં સ્ટર્નોટોમી કરીને હૃદયની તપાસ કરતાં ધમનીઓમાં બ્લોકેજ હોવાને કારણે હૃદય સીમ્સ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું ન હતું.

ફેફસાનુ દાન લેવા માટે હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલના ડોક્ટરોની ટીમ સુરત આવી હતી બ્રોન્કોસ્કોપી કરી ફેફસાની તપાસ કરતા ફેફસાં સારા હોવાનું જણાયું હતું પરંતુ લોજીસ્ટીક પ્રોબલમને કારણે ફેફસાનું દાન થઇ શક્યું ન હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
(સૌજન્ય: ડોનેટ લાઈફ)

Niraj Patel