સુરતના આ પરિવારે કંકોત્રીમાં છપાવી એવી તસવીરો કે થઇ ગઈ વાયરલ, પ્રિ વેડિંગમાં લાખોનો ખર્ચ કરવાને બદલે કર્યું દિલ જીતી લેનારું કામ, જુઓ
હાલ ગુજરાત સમેત દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર હજારો યુગલો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે લોકો પોતાના લગ્ન વધુ ખાસ બને તે માટે થઈને અવનવા આયોજનો પણ કરતા હોય છે. બજારમાં લગ્ન માટેની અવનવી કંકોત્રી પણ હવે જોવા મળે છે, જેમાં કંકોત્રીની અવનવી ડિઝાઇન અને અંદરનું લખાણ પણ ઘણીવાર દિલ જીતી લેનારા હોય છે. આવી કંકોત્રી ઘણા લોકો સાચવીને પણ રાખતા હોય છે.
પરંતુ આપણે ત્યાં લગ્નની કંકોત્રીમાં મોટાભાગે એક વસ્તુ સરખી જોવા મળતી હોય છે અને તે છે ભગવાનના ફોટો. દરેક વ્યક્તિ પોતાના લગ્નમાં પોતાના કુળદેવી કે કુળદેવતા અથવા તો ગણપતિની તસવીરો કંકોત્રીમાં અચૂક છપાવતા હોય છે, પરંતુ સુરતમાંથી એક કંકોત્રી હાલ એવી વાયરલ થઇ રહી છે, જેમાં ભગવાનની તસવીરોની જગ્યાએ આ પરિવારે કઈ અલગ કરવાનું વિચાર્યું.
સુરતના પરિવારે પોતાના લગ્નની કંકોત્રીમાં દેશપ્રેમને જાગૃત કર્યો છે. તેમણે કંકોત્રીમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ભગત સિંહ અને સુભાષચંદ્ર બોઝનો ફોટો છપાવ્યો છે, આ ઉપરાંત કંકોત્રી ઉપર આઝાદીનો અમૃત મહોત્સવનો સિમ્બોલ પણ લગાવ્યો છે. પરિવારે લગ્નમાં આઝાદીના લડવૈયાઓના બલિદાનને યાદ કરીને અનોખી રીતે શ્રધાંજલિ અર્પણ કરી છે.
આ બાબતે પ્રભુતામાં પગલાં માંડી રહેલા યુવાન કરણ ચાવડાએ સાક્ષાત ભગવાન તો સરદાર પટેલ, ભગતસિંહ, સુભાસ ચંદ્રજી અને અન્ય નેતાઓ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે એમ પણ જણાવ્યું કે મારી કંકોત્રી 1 હજાર લોકો સુધી પહોંચતી થશે અને લોકો પણ સ્વતંત્ર સેનાનીઓને જાણતા થશે. આ કંકોત્રી મારફતે તે જાગૃતિ લાવવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે.
ફક્ત કંકોત્રીમાં જ નહિ. લગ્નના બંધનમાં બંધાનાર કરણ અને શિવાંગીએ પ્રિ વેડિંગ ફોટોશૂટમાં લાખો રૂપિયા ખર્ચવાના બદલે એક અનોખું કામ કર્યું હતું. તેમણે પ્રિ વેડિંગ શુટના બદલે આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું હતું અને સાથે જ આદિવાસી મહિલાઓ અને યુવતીઓને સમજણ આપવા માટે સેનેટરી પેડનું પણ વિતરણ કર્યું હતું. ત્યારે હવે આખા ગુજરાતમાં આ દંપતીની વાહવાહ થઇ રહી છે અને લોકો પણ તેમના કાર્યની પ્રસંશા કરી રહ્યા છે.