સુરતમાં ધોરણ-9ના બે વિદ્યાર્થી: “હું સફળ થવા માટે જાઉં છું, દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં” ભેદી રીતે ગુમ

સુરતમાં ધોરણ-9ના બે વિદ્યાર્થી મિત્રો ભેદી રીતે ગુમ, બેગમાંથી મળેલ ચીઠ્ઠીમાં લખ્યુ હતુ- ‘હું સફળ થવા માટે જાઉં છું, દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં’

સુરતમાંથી હાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, પાલનપુર ઉગત કેનાલ રોડ ખાતે રહેતા અને ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા બે સગીર મિત્રો કોઇને પણ કહ્યા વગર જતા રહેતા પરિવાર દ્વારા પાલ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે, આ મામલે એક મિત્રના ટ્યુશન બેગમાંથી ચિઠ્ઠી મળી અને તેમાં લખ્યુ છે કે, હું સફળ થવા માટે જઉં છું અને દસ વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહી.

ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી અને બંને સગીર અમદાવાદ જતી ટ્રેનમાં બેસતા સીસીટીવી ફુટેજમાં કેદ થયા. હાલ તો પોલિસ સગીરોની તપાસ માટે રવાના થઈ છે, પણ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર, પાલનપુર ઉગત કેનાલ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો અને ધોરણ-9માં અભ્યાસ કરતો 14 વર્ષીય સગીર ઘર નજીક આવેલ ટ્યુશન ક્લાસીસ જતો હતો અને તેની સાથે ઘર નજીક રહેતો 14 વર્ષીય બીજો સગીર ટ્યુશનમાં અભ્યાસ કરતો હતો.

બંને વચ્ચે મિત્રતા હતી અને તેઓ ગત રોજ બપોરથી ગુમ હતા. ત્યારે પરિવારના શોધખોળ બાદ જ્યારે કોઈ પત્તો ન લાગ્યો ત્યારે પોતપોતાના ઘરના સીસીટીવી ફુટેજ ચેક કર્યા પણ કંઇ ખાસ જાણવા ન મળ્યુ. જો કે, બીજા સગીરના ટ્યુશન બેગમાંથી એક ચીઠ્ઠી મળી આવી અને તેમાં લખ્યુ હતું કે, હું સફળ થવા માટે જાવ છું અને દસ વર્ષ બાદ પરત આવીશ મને શોધતા નહી.

ત્યારે પરિવારે આ મામલાની જાણ પોલિસને કરી અને તે બાદ પાલ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. પાલ અને રાંદેર પોલીસે સંયુક્ત કામગીરી કરી તેમની હદમાં આવતા સીસીટીવી ફુટેજ ચેક કર્યા અને તેમાં બંને સગીર રેલવે સ્ટેશન પર દેખાયા, તેઓ અમદાવાદ જતી ટ્રેનમાં બેસીને જતા પણ દેખાયા હતા. એવી શંકા છે કે બંને અંકલેશ્વર સ્ટેશને ઉતારી ગયા છે.

Shah Jina