સુરતમાં બસની અડફેટે બેના મોત : મોબાઈલ લૂંટનારની પાછળ ભાગતા યુવકને ST બસે કચડ્યો જ્યારે સિટી બસે ધોરણ 11ના વિદ્યાર્થીને મારી ટક્કર

ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી બસની અડફેટે લોકોના મોતની ઘટના સામે આવી રહી છે, ત્યારે સુરત શહેરમાંથી પણ બીઆરટીએસ અને સીટી બસ દ્વારા સતત અકસ્માત થતા હોવાની ખબરો સામે આવતી હોય છે. આ દરમિયાન આજે ફરીથી સુરતમાં બે લોકોને સવાર સવારમાં જ કાળ ભરખી ગયો હોવાની ખબર છે. પાંડેસરા વેલકમ પાન પાસે સિટી બસે ટુ-વ્હિલર પર જતા ધોરણ 11ના વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું જ્યારે બીજા બનાવમાં ભેસ્તાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં દોડતી ST બસે યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતુ.

ધોરણ-11ના વિદ્યાર્થીનું બસની અડફેટે મોત

ઉધના વિસ્તારમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતો ગૌરવ બારડોલિયા પાંડેસરા વેલકમ પાન પાસેથી પોતાના ટુ-વ્હિલર પર જઇ રહ્યો હતો આ દરમિયાન એકાએક સિટી બસના ચાલકે તેને અડફેટે લીધો અને કચડાઇ જવાને કારણે તેનું મોત નિપજ્યું. ગૌરવ ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. ત્યારે ઘટનાની જાણ થતા જ પરિવાર હોસ્પિટલ દોડી ગયો હતો અને હૈયાફાટ રૂદનને કારણે ગમગીની છવાઇ હતી. મૃતકના સંબંધી અનુસાર, પાંડેસરા આશાપુરી સોસાયટી પાસે અકસ્માત થયો હતો.

મોબાઇલ લૂંટનારની પાછળ દોડનાર યુવકને ST બસે અડફેટે લીધો

જો કે, અકસ્માત બાદ બસચાલકે બસ છોડી નાસી જવાનો પ્રયાસ કર્યો પણ આસપાસના લોકોએ ડ્રાઇવરને જોઈ લેતા તેને પકડી પાડ્યો હતો. એવું સામે આવ્યુ હતુ કે ડ્રાઇવર નશાની હાલતમાં હતો. બીજા બનાવની વાત કરીએ તો, મૂળ ઓડીસાનો 23 વર્ષીય સાગર બહેરા કૌટુંબિક પરિવારજનો સાથે ભેસ્તાનમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતો હતો. તે લુમ્સના ખાતામાં બોબીન ભરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ત્યારે ગતરોજ સાગર સાંજે નોકરી પરથી ઘરે સાયકલ પર એક મિત્ર સાથે આવી રહ્યો હતો તે દરમિયાન સાયકલની આડે ત્રણ જેટલા યુવકો આવ્યા અને મોબાઈલ ફોન છીનવવાનો પ્રયાસ કર્યો. જેને કારણે સાગર અને તેનો મિત્ર ભાગવા લાગ્યા આ દરમિયાન સિદ્ધાર્થનગર પાસે આવેલ બીઆરટીએસ રૂટ ક્રોસ કરતા સમયે બીઆરટીએસ રૂટમાં પૂરઝડપે દોડતી એસટી બસે સાગરને અડફેટે લીધો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

Shah Jina