બિલ્ડરની બેદરકારીને કારણે સુરતના પરમ એપાર્ટમેન્ટના રહીશો આવ્યા રસ્તા પર, નાના ભૂલકાઓ સહિત પરિવાર…

સુરતના સરથાણામાં આવેલી પરમ રેસીડેન્સીના રહીશોને ઘર હોવા છત્તાં પણ રસ્તા પર આવવાનો વારો આવ્યો છે. પરમ એપાર્ટમેન્ટના 27 જેટલા ફ્લેટને બેંક દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. નાના બાળકો સહિત બધા જ રોડ પર આવી ગયા છે. લોન લઇને ફ્લેટ ખરીદવામાં આવ્યા હતા અને ડેવલપર્સ બિલ્ડરના ભોગે રહીશો હેરાન થઇ રહ્યા છે. સુરતમાં ઘણા જાણિતા બિલ્ડરો છે, જેઓ પ્રોજેક્ટ લોન મોટા પ્રમાણમાં લે છે અને કયારેક તેઓ રિફાઇનાન્સ પણ કરાવતા હોય છે. ફ્લેટ જે ખરીદે છે તેને પ્રોજેક્ટ લોન અંગે કોઇ માહિતી નથી હોતી અને તેઓ પોતાની લોન કરાવી ફ્લેટ ખરીદતા હોય છે. બિલ્ડર તેનો દસ્તાવેજ પણ કરી દે છે, પરંતુ જ્યારે પ્રોજેક્ટ લોન જે બેંક પાસેથી લેવામાં આવી છે તે લોનની નોટિસ ફટકારે છે, ત્યારે ફ્લેટધારકોને આ અંગે માલૂમ પડે છે.

ઘટનાની વિગત તપાસીએ તો, રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પ્રોજેક્ટ લોનના રૂપિયા વાપરી કૌભાંડ આચરીને બિલ્ડરે હાથ ઊંચા કરી દીધા છે. પરમ એપાર્ટમેન્ટના રહીશોના ફ્લેટ બેંક દ્વારા સીલ મારવામાં આવતા તે લોકોનો માલસામાન પણ બહાર છે અને તેઓ પોતાનો ફ્લેટ હોવા છત્તાં રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે. રહીશો દ્વારા બિલ્ડરોને સતત ફોન કરવામાં આવી રહ્યો છે, પરંતુ એકપણ ફ્લેટધારકના ફોન તે લોકો ઉપાડતા નથી. બાળકો સહિત સમગ્ર પરિવાર ઘરના સામાન સાથે બહાર રહેવા મજબૂર બન્યો છે.

પરમ એપાર્ટમેન્ટના એક રહીશ અનુસાર, તે લોકોએ ફ્લેટ માટે લોન લીધી છે. બેંકે લોન પણ આપી છે અને તેના હપતા પણ આ લોકો દ્વારા ચૂકવવામાં આવ્યા છે. જ્યારે પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી ન હોય ત્યારે જ બેંક દ્વારા લોન આપવામાં આવે છે. તો પછી આવું કેવી રીતે બની શકે. જે બેંકે લોન આપી છે તેણે આ પ્રોજેકટનો અભ્યાસ કર્યા વગર કેવી રીતે લોન આપી દીધી. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ લોન લેવા જાય છે ત્યારે તમામ દસ્તાવેજ બેંકના અધિકારીઓને બતાવે છે. ત્યાર બાદ લોન આપતા હોય છે.

બિલ્ડરને જયારે નોટિસ મળતી ત્યારે આ બાબતે રજૂઆત રહીશો દ્વારા કરવામાં આવી પરંતુ ત્યારે બિલ્ડરે કહ્યુ હતુ કે કોઇ ચિંતાની જરૂર નથી. પરંતુ આજ રોજ 27 જેટલા ફ્લેટને સીલ કરવામાં આવ્યા છે ત્યારે તે લોકોનો કોઇ વાંક ન હોવા છત્તાં પણ રસ્તા પર રહેવા મજબૂર બની છે. સુરતમાં અનેક ડેવલપર્સ ફલેટધારકો સાથે ચીટિંગ કરતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે ભૂખ્યા અને તરસ્યા આ લોકો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે, તેઓને સરકાર અને પોલીસ દ્વારા ન્યાય મળે.

Shah Jina