સુરતમાં તક્ષશિલા આર્કેડ પાસે BRTS બસસ્ટોપ પર જ ભસમાં લાગી આગ, જોતજોતામાં જ ભડભડ સળગી ઉઠી બસ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોય છે તો ઘણીવાર કોઇ અન્ય કારણોસર આગ લગાવાની ઘટના બનતી હોય છે. હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ અને પ્રાણી સંગ્રહાલય પાસે આવેલા BRTS બસ સ્ટોપ ખાતે બસમાં આગ લાગવાની ઘટના બની છે. આગને કારણે ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બસ સ્ટોપ પર અચાનક બસમાં આગ લાગતાં શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ દોડતા થઇ ગયા હતા.

ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તે બાદ ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે, અહીં સવારે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ ઘણી મોટી સંખ્યામાં BRTS બસનો ઉપયોગ કરે છે અને આજે પણ રાબેતા મુજબ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જતા હતા એ સમય દરમિયાન જ BRTS બસમાં બસસ્ટોપ પર જ આગ લાગવાની ઘટના બની હતી.

આગને કારણે ડરનો માહોલ પેદા થઇ ગયો હતો. ઘણા વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા, પરંતુ ધુમાડો નીકળતાંની સાથે જ તેઓએ સમયસૂચકતા દાખવી અને નીચે ઊતરી ગયા. હાલ તો આ આગ કયા કારણોસર લાગી તે સામે આવ્યુ નથી. બસમાં એકાએક આગ લાગતા કોઈ સમજે એ પહેલાં તો આગે બસને તેની લપેટમાં લઈ લીધી હતી. જો કે, રાહતની વાત તો એ છે કે આગને કારણે કોઇ જાનહાનિના અહેવાલ નથી.

જણાવી દઇએ કે, કેટલાક સમય પહેલા સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડે આખા ગુજરાતને હચમચાવી નાખ્યુ હતુ. આ આગમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ આપ્યો હતો. આગની જ્વાળાઓથી બચવા માટે કેટલાક મોતની છલાંગ લગાવતા પણ જોવા મળ્યા હતા. ત્યારે સરથાણામાં BRTS બસમાં લાગેલી આગે તક્ષશિલા અગ્નિકાંડની યાદ અપાવી દીધી.

Shah Jina