ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે. ઘણીવાર તેજ રફતાર વાહનને કારણે તો ઘણીવાર ટેકનીકલ ઇસ્યુને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે હાલમાં સુરતના અડાજણના LP સવાણી રોડ પરથી માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલાનું મોત નિપજ્યું છે. મોપેડ પર મહિલા જઈ રહ્યા હતી ત્યારે ઓડી કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી, જેને કારણે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતુ.
ફિટનેસ ડોક્ટર ઓડી કાર લઈને જઈ રહી હતી ત્યારે અચાનક એક્ટિવા પર સવાર મહિલા સામે આવી જતા અકસ્માત સર્જાયો અને આમાં એક્ટિવા સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું. જો કે, કાર ચલાવનાર ડોક્ટર મહિલાને ચક્કર આવી જતા અને તે બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, એલપી સવાણી સર્કલથી સ્ટાર બજાર તરફ જઈ રહેલ રસ્તા પર અકસ્માત સર્જાયો.
રીટાબેન ગોહિલ નામની મહિલા એકટીવા પર જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ઓડી કાર સાથે અકસ્માત થયો અને તેમાં રીટાબેન રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, જેને કારણે તેમનું મોત થયુ. ફિટનેસ ડોક્ટર તરીકે કામ કરતા ડોક્ટર નેહા પાનસુરીયા ઓડી કાર ચલાવી રહ્યા હતા. ત્યારે આ મામલે નજરે જોનારનું કહેવુ છે કે, અડાજણના એલપી સવાણી રોડ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેને કારણે રોડ પર બંને બાજુ પતરાના શેડ બનાવવામાં આવ્યા છે.
મોપેડ સવારનું હેન્ડલ અડી જતા તેમનું બેલેન્સ ખોરવાયું અને તેઓ અચાનક જ રોડની વચ્ચે આવી ગયા.આ દરમિયાન પાછળ ઓડી કાર આવતા ટક્કર થઇ અને અકસ્માત સર્જાયો, જેમાં મોપેડ સવાર મહિલાનું મોત નીપજ્યું. તપાસમાં એવું સામે આવ્યુ કે, મૃતક રીટાબેન કોઈ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામગીરી કરતા હતા.
જણાવી દઇએ કે, અડાજણ પોલીસ મથકના પીઆઇએ કહ્યુ કે, અકસ્માતને લઈ ઓડી કાર ચાલક મહિલા ગભરાઈ ગયા જેને કારણે તેમને ચક્કર આવ્યા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જો કે, હાલ આ મહિલા પોલીસની નજર કેદમાં છે અને સારવાર બાદ તેમની પૂછપરછ કરવામાં આનશે અને અટકાયત પણ કરવામાં આવશે.