નામકરણ પહેલા જ સુરતની આ 14 દિવસની દીકરીએ દુનિયામાંથી લઇ લીધી વિદાય, પિતાના આક્રંદ વચ્ચે હોસ્પિટલનું વાતાવરણ બન્યું ગમગીન

સુરતમાં 14 દિવસની બાળકીનું મોત, હૈયાફાટ રૂદનની ચીસોથી માહોલ ગમગીન, જાણો વિગત

દરેક પિતા માટે તેમની દીકરી સર્વસ્વ હોય છે. એવું પણ કહેવાય છે કે જે ઘરમાં દીકરીનો જન્મ થયો હોય ત્યાં લક્ષ્મી અવતરે છે. પરંતુ આ બધા વચ્ચે જ એક આંખ ભીની કરનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં 14 દિવસની માસુમ દીકરીનું સારવાર દરમિયાન નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી 14 દિવસની દીકરીનું નિધન થતા સમગ્ર હોસ્પિટલમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું. દીકરીના પિતા દીકરીને હાથમાં લઈને આક્રંદ કરતા જોઈને હોસ્પિટલના સ્ટાફની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

દીકરીના પિતા તેમની દીકરીનું નામ યશ્વીનીબા પાડવા માંગતા હતા. પરંતુ દીકરીના નામકરણ પહેલા જ દીકરીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જેના કારણે તેના પિતાને પણ ઊંડો આઘાત લાગ્યો હતો.

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે. આ બીજી લહેરની ચપેટમાં મોટાભાગે બાળકો આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાની જો વાત કરીએ તો 30 દિવસમાં જ 10 વર્ષ સુધીના 286 બાળકો કોરોના સંક્રમિત થયું છે. જેમાં આ 14 દિવસની બાળકી સહીત ત્રણ બાળકો મોતને પણ ભેટ્યા છે. હજુ પણ ખાનગી હોસ્પિટલોમાં બાળકો સારવાર લઇ રહ્યા છે.

દીકરીનો જયારે જન્મ થયો ત્યારે તેના પિતા તેને હાથમાં લઈને ઊંચકી વ્હાલ કરી શક્ય નહોતા, પરંતુ 14 દિવસ બાદ સારવાર દરમિયાન કુમળું ફૂલ મુરઝાઈ ગયું ત્યારે પિતાના નસીબમાં મૃત દીકરીને હાથમાં લેવાનો વારો આવ્યો જેના કારણે તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

Niraj Patel