અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન માતાનું નિધન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, હિટ ફિલ્મો આપી હતી

Sulochana Latkar Passes Away: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ઓનસ્ક્રીન માતા તરીકે જાણીતી અભિનેત્રી સુલોચના લાટકરનું નિધન થયું છે. 94 વર્ષીય સુલોચનાએ પોતાનું મોટાભાગનું જીવન સિનેમાને સમર્પિત કર્યું હતું. ‘શ્રી 420’, ‘નાગિન’ અને ‘અબ દિલ્લી દૂર નહીં’ જેવી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સુલોચના લાટકરે 4 જૂને મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. અભિનેત્રીની પુત્રીએ સુલોચના લાટકરના નિધનના થોડા સમય પહેલા ખરાબ તબિયત વિશે જણાવ્યું હતું. અભિનેત્રીની પુત્રીએ એબીપીને જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 3 જૂન શનિવારે તેમની તબિયત લથડવા લાગી અને તેમને વેન્ટિલેટર પર સતત ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો.

પણ તેઓ મોત સામે જંગ હારી ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીના અંતિમ સંસ્કાર 5 જૂને દાદર સ્મશાન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. સુલોચના લાટકરે ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર અને ધર્મેન્દ્ર જેવા દિગ્ગજ કલાકારોની માતાની ભૂમિકા ભજવી હતી. સુલોચના લાટકરે 1940માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. સુલોચના લાટકરે હિન્દી અને મરાઠી સહિત 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વાસ્તવિક જીવનમાં પણ સુલોચના લાટકરના પગ સ્પર્શતા હતા અને તેમના બ્લોગમાં ઘણી વખત તેમનો ઉલ્લેખ કરતા હતા. સુલોચના લાટકરને 1999માં પદ્મશ્રી અને 2004માં ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેમને રાજ્યના સર્વોચ્ચ સન્માન ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’થી સન્માનિત કર્યા હતા.

સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર, એનસીપી પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, શિવસેના-યુબીટી નેતાઓ અને અન્ય હસ્તીઓ સહિતના ટોચના નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુલોચના લાટકરે વર્ષ 1988માં ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ તે અભિનયને ખૂબ જ મિસ કરતા.

તેમણે કહ્યું કે તે તેના આગામી જીવનમાં પણ અભિનેત્રી બનવા માંગે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તે સ્ક્રીન પર ‘ઝાંકી કી રાની’ અને ‘મહારાણી અહલ્યાબાઈ’ની ભૂમિકા ભજવવા માંગતા હતા, પણ હવે ઉંમરને કારણે તે કરી શક્યા નહિ. તેઓએ કહ્યુ કે- હા, હું ચોક્કસપણે મારા આગામી જીવનમાં તે કરવા માંગીશ. આ બંને મહિલાઓએ સમાજ માટે ઘણું મોટું કામ કર્યું છે. જો કોઈ તેમના પર આધારિત ફિલ્મ બનાવે તો તે સિનેમા માટે ઉત્તમ રહેશે.

Shah Jina